- ફેસબૂક હવે કોરોના અંગેની માહિતીથી લોકોને કરશે માહિતગાર
- આ માટે ફેસબૂકે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કર્યું ટાઇ-અપ
- સરકાર દ્વારા રજૂ થતી માહિતી ફેસબૂક લોકો સુધી પહોંચાડશે
નવી દિલ્હી: વિશ્વનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે તેના જગવ્યાપી નેટવર્કનો ઉપયોગ કોરોના વિશે સાચી માહિતી ફેલાવવા માટે શરૂ કર્યો છે. ભારત સરકાર અને વિવિધ રાજ્યો દ્વારા રજૂ થતી કોરોના અંગેની સત્તાવાર માહિતી ફેસબૂક મહત્તમ લોકો સુધી પહોંચાડશે. આ હેતુસર ફેસબૂકે હાલમાં 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે ટાઇ-અપ કર્યું છે.
ભારત અમેરિકા બાદ બીજો એવો દેશ છે જ્યાં આ પ્રકારે ફેસબૂક માહિતીનો પ્રસાર કરશે. કોરોના મહામારીને લઇને ગાઇડલાઇન પણ જુદી જુદી અને સમયાંતરે બદલાતી રહેતી હોય છે ત્યારે ફેસબૂકમાં સક્રિય યૂઝર્સનો વર્ગ પણ બહોળો હોવાથી તેનો મહત્તમ ઉપયોગ થાય અને લોકો જાગૃત થાય તે ઉદ્દેશ્ય સાથે ફેસબૂકે માહિતી પ્રસારની જવાબદારી પોતાના શિરે લીધી છે.
ફેસબૂક આ પ્રકારની માહિતીનો પ્રસાર કરશે
– કોરોના હેલ્પલાઈન
– કોરોના વિશે સરકારી જાહેરાત
– હોસ્પિટલમાં વિવિધ પ્રકારના બેડ ઉપલ્બધ અંગેની માહિતી
– લોકડાઉન, પ્રવાસ વગેરે માટે નિયમોમા થતો ફેરફાર
– રસીની નોંધણી, ઉપલબ્ધતા અંગેની વિગતો
– કોરોના ફેલાતો અટકાવવા માટે સાવચેતી
સરકાર કોરોના સંદર્ભે દરેક માહિતી ફેસબૂકને આપશે અને બાદમાં ફેસબૂક આ માહિતીને લોકો સુધી પહોંચાડશે. હાલમાં ફેસબૂક કમ્યુનિકેશનના સૌથી ઝડપી માધ્યમો પૈકીનું એક છે. ફેસબૂક તેના દરેક યૂઝર્સ સુધી માહિતી પહોંચી તે માટે પ્રયાસરત છે.