Site icon Revoi.in

જાણીતા ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

Social Share

નવી દિલ્હી: જાણીતા અને નિર્ભય ટીવી પત્રકાર રોહિત સરદાનાનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. લાંબા સમયથી તેઓ ઝી ન્યૂઝમાં એન્કરિંગ કર્યા બાદ ટીવી ચેનલ આજ તકમાં ન્યૂઝ એન્કર તરીકે જોવા મળ્યા હતા. તેમના નિધનથી મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ રોહિત સરદાનાના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

તેમના નિધનના સમાચારથી પત્રકાર જગત પણ સ્તબ્ધ છે. ઘણા પત્રકારોએ ટ્વિટ કરીને લખ્યું કે, તેમને આ વાત પર વિશ્વાસ નથી આવતો. મહત્વનું છે કે, રોહિત સરદાનાની ગણના દેશના ટોચના હિંદી ન્યૂઝ એન્કરોમાં થતી હતી. આજે વહેલી સવારે તેમને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમને  વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા પરંતુ બચી શક્યા નહીં.

થોડાક સમય પહેલા રોહિત સરદાનાએ ટ્વીટરના માધ્યમથી પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી હતી. 24 એપ્રિલે તેઓએ ટ્વીટ કર્યું હતું કે, એક સપ્તાહ પહેલા તાવ અને બાકી લક્ષણ આવ્યા બાદ ટેસ્ટ કરાવ્યો હતો. RT-PCR નેગેટિવ આવ્યો પરંતુ CT-Scanથી કોવિડની પુષ્ટિ થઈ હતી. હાલમાં સ્થિતિ પહેલાથી સારી છે. તમે સૌ પોતાનું અને પોતાના પરિવારજનોનું ધ્યાન રાખજો.

સીનિયર જર્નાલિસ્ટ રાજદીપ સરદેસાઈએ રોહિત સરદાનાના નિધનની જાણકારી આપી છે. તેઓએ ટ્વીટ પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દોસ્તો ખૂબ જ દુખદ સમાચાર છે. જાણીતા ટીવી ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન થયું છે. તેમને આજે સવારે જ હાર્ટ અટેક આવ્યો છે. તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.

તેમના નિધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રદ્વાંજલિ પાઠવી હતી અને લખ્યું હતું કે, પત્રકાર રોહિત સરદાનાની અણધારી વિદાયથી વ્યથિત છું. તેમના નિધનથી ભારતે એક બહાદુર પત્રકાર ગુમાવ્યા છે કે જેઓ હંમેશા નિષ્પક્ષ અને ઉચિત રિપોર્ટિંગ સાથે રહ્યા હતા. ઇશ્વર તેમના પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે.

નોંધનીય છે કે, લાંબા સમયથી ટીવી મીડિયાનો ચહેરો રહેલા રોહિત સરદાનાને વર્ષ 2018માં જ ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(સંકેત)