- કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોનું આંદોલન બની રહ્યું છે ઉગ્ર
- આજે ફરી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે
- બેઠકમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય તેમજ કૃષિ કાયદાને રદ કરવા અંગે થઇ શકે ચર્ચા
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ દરમિયાન હવે આજે કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે વધુ એક બેઠક યોજાવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે યોજાનારી બેઠકમાં બંને વચ્ચે કોઇ રસ્તો નીકળશે અને આંદોલન ખતમ થઇ શકે છે. બેઠકમાં ન્યૂનતમ સમર્થન મૂલ્યની કાયદાકીય ગેરંટી અને ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અંગે ચર્ચા થઇ શકે છે.
બીજી તરફ, ખેડૂતોના સાથે બેઠક પૂર્વે રવિવારે કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે બેઠક થઇ હતી જેમાં સૂત્રોનુસાર વર્તમાન સંકટના ત્વરિત સમાધાન માટે સરકારની રણનીતિને લઇને ચર્ચા થઇ હતી. તોમરે સિંહની સાથે આ સંકટના સમાધાન માટે વચ્ચેનો વિકલ્પ કે રસ્તો શોધવા માટે તમામ સંભવિત રણનીતિ પર ચર્ચા કરી.
નોંધનીય છે કે, પાંચ ચરણની મંત્રણા કોઈ પરિણામ વગરની રહ્યા બાદ 30 ડિસેમ્બરે છઠ્ઠા ચરણની મંત્રણામાં સરકાર અને 40 ખેડૂત સંગઠનોની વચ્ચે વીજળીના દરોમાં વૃદ્ધિ તથા પરાલી સળગાવવા પર દંડ પર પ્રદર્શનકારી ખેડૂતોની ચિંતાઓના સમાધાનની વાત બની હતી. પરંતુ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અને MSPને કાયદાકીય ગેરંટી આપવાના વિષય પર બંને પક્ષોમાં ગતિરોધ કાયમ છે.
(સંકેત)