Site icon Revoi.in

ખેડૂત આંદોલન સંપન્ન: ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી, ટિકૈતે લીલી ઝંડી બતાવી

Social Share

નવી દિલ્હી: અંતે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન હવે પૂર્ણ થયું છે ત્યારે ખેડૂતોએ હવે દિલ્હી બોર્ડર પરથી ઘરવાપસી શરૂ કરી છે.

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે પહેલી ટૂકડીને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. અત્યારે ખેડૂતો ખુશીથી ઘરવાપસી કરી રહ્યા છે અને ટિકૈત હજુ જો કે બોર્ડર પર જ છે.

ટિકૈતના નિર્ણય પર પૂછવામાં આવતા તેણે કહ્યું કે, હું હજું ચાર દિવસ બોર્ડર પર જ રહેવાનો છું અને 15 ડિસેમ્બરે ગાઝીપુર બોર્ડર છોડીને મુઝઝફરનગર માટે રવાના થઇશ.

ખેડૂતોનુ પહેલી ટુકડી સવારે સાડા આઠ વાગ્યે રવાના થઈ હતી અને તે પછી હવે એક પછી એક ટ્રેક્ટરમાં પોતાનો સામાન ભરીને ખેડૂતો બોર્ડર છોડતા નજરે પડી રહ્યા છે.

મહત્વનું છે કે, સરકારે કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ પણ એમએસપીને લઈને ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યુ હતુ .જોકે સરકારે લેખિતમાં ખેડૂતોની એમએસપી સહિતની પાંચ માંગણીઓ માની લીધી હોવાથી ખેડૂતોએ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી હતી.

સરકારે ખેડૂતોને દરખાસ્ત પત્ર લખીને તેમાં કહ્યુ છે  કે, એમએસપી પર સરકારે કમિટી બનાવવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ખેડૂત આગેવાનો પણ સામેલ હશે.ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા માટે દરેક રાજ્ય સરકારે સંમતિ આપી હોવાનુ પત્રમાં સરકારે કહ્યુ છે અને સાથે સાથે ભારત સરકાર સાથે જોડાયેલી એજન્સીઓ અને દિલ્હી પોલીસ પણ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચશે.