Site icon Revoi.in

ખેડૂત સંગઠનોનું 26 માર્ચે ભારત બંધનું એલાન

Social Share

નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતો હવે આંદોલનને ફરીથી વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. આ વખતે આખા દિવસનું બંધ રહેશે. એકપણ વાહન રસ્તા પર આવવા ન દેવાની યોજના છે. બીજી તરફ, યુવાનોને આંદોલન સાથે ફરીથી જોડવાનો પ્રયાસ પણ કરાશે. બુધવારે બપોરે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે ખેડૂત નેતા બૂટાસિંહે કહ્યું હતું કે આ વખતે ભારત બંધ દરમિયાન ખેડૂતોનાં ટ્રેક્ટરો નહીં ચાલે. સરકાર અને તેની સાથે સંકળાયેલા લોકો સતત એવો પ્રચાર કરી રહ્યા છે કે ખેડૂત આંદોલન નબળું પડી ગયું છે અને હવે લોકો ખેડૂતો આંદોલનમાં નથી આવી રહ્યા. આવા લોકોને જણાવવા ભારત બંધની હાકલ કરવામાં આવી છે કે, ખેડૂતોનું આંદોલન હજુ જીવંત છે. તેમણે કહ્યું કે ભારત બંધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. આ વખતે રસ્તા પર એક પણ વાહન રહેશે નહીં. ખેડૂતનાં ટ્રેક્ટરો પણ બંધ રહેશે.

બુટાસિંહે કહ્યું કે આઠ માર્ચે દેશભરની મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે તમામ ખેડૂત આંદોલન સ્થળોએ એકઠી થઈ હતી, તેવી જ રીતે, સંયુક્ત કિસાન મોરચાએ તેનો કાર્યક્રમ 15 માર્ચથી 28 માર્ચ સુધી સુનિશ્ચિત કર્યો છે. બૂટાસિંહે કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી યોજાઇ રહી છે અથવા ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં સંયુક્ત કિસાન મોરચો પોતાનો મંચ ઉભા કરશે અને લોકોને BJPને મત નહીં આપવાની અપીલ કરશે.

આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના વધતા ભાવની વિરૂદ્ધ 15 માર્ચે દેખાવો કરવામાં આવશે.

(સંકેત)