- કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ ફરી મંત્રણા માટે તૈયાર
- જો કે તેઓએ મંત્રણા માટે કેટલીક પૂર્વ શરતો રાખી છે
- ખેડૂતોની સાથે મંત્રણાની આગામી તારીખ નક્કી કરવા માટે સરકાર તેમના સંપર્કમાં: કૃષિ મંત્રી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો કેટલીક શરતો સાથે ફરી એકવાર સરકાર સાથે મંત્રણા કરવા માટે તૈયાર થયા છે. બીજી તરફ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે ખેડૂતોની સાથે મંત્રણાની આગામી તારીખ નક્કી કરવા માટે સરકાર તેમના સંપર્કમાં છે. ખેડૂત સંગઠનોએ છેલ્લા કેટલાક દિવસમાં આંદોલન વધારે ઉગ્ર કર્યું છે અને તેઓએ સોમવારે ભૂખ હડતાળ પર કરી હતી.
આપને જણાવી દઇએ કે પ્રદર્શનકારી ખેડૂતોના 40 યૂનિયનોના પ્રતિનિધિઓની સાથે સરકારની વાતચીતની આગેવાની તોમર કરી રહ્યા છે. તેમાં તેમની સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશ સામેલ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે અત્યારસુધીની પાંચ ચરણોની મંત્રણામાં કોઇ નિષ્કર્ષ આવ્યું નથી.
અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ (AIKSCC)એ કહ્યું કે તેઓ કેટલીક શરતોની સાથે ફરીથી વાતચીત માટે તૈયાર છે. પંજાબના મોટાભાગના ખેડૂત ત્રણ કાયદાને રદ કરવા માટેનું દબાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફરીથી વાતચીત શરૂ કરવા માટે ત્રણ આશ્વાસનોની જરૂર છે.
આ ત્રણ શરત છે
પહેલી શરત – વાતચીત જૂના પ્રસ્તાવો પર શક્ય નથી, કારણ કે કૃષિ સંઘ પહેલા જ તેને ફગાવી ચૂકી છે.
બીજી શરત – સરકારે તેને લઇને નવો એજન્ડા તૈયાર કરવો જોઇએ.
ત્રીજી શરત – વાતચીત કૃષિ કાયદાને રદ કરવા પર કેન્દ્રીત હોવી જોઇએ.
AIKSCCના સચિવ આવિક સાહાએ જણાવ્યું કે, સરકાર વારંવાર ફગાવી દેવામાં આવેલા તર્કને રજૂ કરી રહી છે. ખેડૂત મંત્રણા માટે તૈયાર છે. પરંતુ ત્રણ કૃષિ કાયદા અને વીજળી સંશોધન બિલ 2020ને પરત લેવા જોઈએ.
(સંકેત)