Site icon Revoi.in

પંજાબમાં ખેડૂતોનો રોષ: જીયો સહિતના 1411 જેટલા ટાવરના ટ્રાન્સમિશન તોડી નાંખ્યા

Social Share

અમૃતસર: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોમાં રોષ સતત વધી રહ્યો છે અને હવે તેઓ કોર્પોરેટ સેક્ટરને પણ ટાર્ગેટ કરવા લાગ્યા છે. પંજાબમાં માત્ર 24 કલાકમાં જ ખેડૂતો અને અન્યોએ આશરે 176 જેટલા મોબાઇલના ટાવરને તોડી નાખ્યા છે. જેને પગલે મુખ્યમંત્રી અમરિંદર સિંહે આવું ના કરવા માટે ખેડૂતો અને આંદોલનકારીઓને અપીલ કરી છે. તે ઉપરાંત 1411 જેટલા ટાવરના ટ્રાન્સમિશનને પણ તોડી નાંખવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પંજાબના વિવિધ સ્થળોએ શનિવારથી અત્યારસુધીમાં આશરે 176 જેટલા ટેલિકોમ ટાવરના ટ્રાન્સમિશનને તોડી નખાયા છે, જે પણ ટાવર તોડવામાં આવ્યા છે તે કંપનીઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સાથે સંકળાયેલી છે. ખેડૂતોને એવો ડર છે કે નવા કૃષિ કાયદાથી કોર્પોરેટ સેક્ટરને જ ફાયદો થાય તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. જેને પગલે અગાઉ આ ટેલિકોમ કંપનીઓના સીમકાર્ડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો જ્યારે હવે તેના ટાવર પણ તોડવામાં આવી રહ્યા છે.

ખેડૂતોએ કોર્પોરેટ સેક્ટર પર પણ રોષ ઠાલવ્યો છે અને અત્યારસુધીમાં આશરે 1411 જેટલા ટાવરના ટ્રાન્સમિશન તોડી નાંખ્યા છે. આ ટ્રાન્સમિશન મોબાઇલ નેટવર્ક હોય છે. જેને તોડીને તે વિસ્તારમાં ખેડૂતોએ જે તે સીમકાર્ડનું મોબાઇલ નેટવર્ક જ ઠપ કરી દીધું હતું.

પંજાબના મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી જારી એક નિવેદન અનુસાર કોરોના મહામારી વચ્ચે ટેલિકોમ ટાવરને નુકસાન કરવાથી મોબાઇલ નેટવર્ક પર માઠી અસર થઇ રહી છે. જે રીતે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતો શિસ્તનું પાલન કરી રહ્યા છે તે જ રીતે પંજાબમાં પણ શિસ્તનું પાલન કરવામાં આવે તે અનિવાર્ય છે. જો કે મુખ્યમંત્રી અમરિંદર સિંહની વિનંતીને પણ ખેડૂતો ગણકારી નથી રહ્યા.

નોંધનીય છે કે છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને અનેકવાર હવે ભૂખ હડતાળ પર પણ ઉતરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેકવાર મંત્રણા થઇ હોવા છતાં કોઇ કોઇ ચોક્કસ સમાધાન નથી મળ્યું. હવે સરકાર અને ખેડૂતો વચ્ચે હજુ એક મંત્રણા ટૂંક સમયમાં થશે ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વખતની મંત્રણામાં કોઇ સમાધાન થશે.

(સંકેત)