- કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન બન્યું વધારે ઉગ્ર
- આજથી ખેડૂતો ગાઝીપુર બોર્ડર પરથી કરી રહ્યા છે ભૂખ હડતાળ
- સાંજે 5 વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે
નવી દિલ્હી: કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્વ છેલ્લા 1 મહિનાથી પણ વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. હવે દિન પ્રતિદીન આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સોમવારે ખેડૂતોની માંગોને લઇને ભૂખ હડતાળ પણ શરૂ થઇ છે. સવારે 11-1 વાગ્યા સુધી ગાઝીપુર ફ્લાય ઓવરની ઉપર બનેલા મંચ પર હડતાળ પર બેઠા છે. સાંજે 5 વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે.
ખેડૂતોએ આંદોલનને લઇને કહ્યું હતું કે આ આરપારની લડાઇ છે અને સરકારે તેની માંગ માનવાની રહેશે. ખેડૂતોએ કહ્યું કે તેમના સાથી આ આંદોલનમાં શહીદ થયા છે. ન્યાયની આ લડાઇમાં તેઓ આગળ પણ બલિદાન આપવા માટે તૈયાર છે. જ્યાં સુધી માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં. હડતાળ પરણ ચાલુ રહેશે.
દેશના અલગ અલગ ભાગમાં જે લોકો આંદોલનમાં આવવા ઇચ્છે છે તેને સરકાર રોકી રહી છે. આમ કરીને કેન્દ્ર ખેડૂતોના જુસ્સાને ઘટાડવાની કોશિશ કરી રહી છે પરંતુ અમે તેમની ઇચ્છા પૂરી કરીશું નહીં. રાકેશ ટિકૈતે કહ્યું કે જે ખેડૂતો કૃષિ બિલના સમર્થનમાં રેલી કાઢી રહ્યા છે તેઓને મળશે અને જાણકારી લેશે કે આ નવા કાયદાથી તેમને કઇ રીતે ફાયદો થઇ રહ્યો છે. ટિકૈતે એમ પણ કહ્યું કે આ કાયદામાં એવો ક્યો લાભ છે જે આંદોલન કરી રહેલા ખેડૂતોને દેખાતો નથી. તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે પરંતુ આ કાયદાથી ખેડૂતોને નુકસાન થશે.
આ અંગે ખેડૂત નેતા ડોક્ટર સતનામ સિંહે કહ્યું કે ખેડૂત સંગઠન દર વખતે એક નવી આશા સાથે કેન્દ્ર સરકારની સાથે મંત્રણા કરે છે પરંતુ કોઇ સમાધાન આવતું નથી. આ વખતે સરકારે ફરીથી વાત કરવા બોલાવ્યા છે ત્યારે આશા છે કે આ વખતે કોઇ ચોક્કસ સમાધાન આવશે.
(સંકેત)