- નવા કૃષિ કાયદાના વિરોધમાં 8મીએ ભારત બંધને અનેક વિરોધ પક્ષોએ આપ્યું સમર્થન
- કોંગ્રેસ, TRS, દ્રમુક, શિવસેના, સપા, NCP અને આપ જેવા પક્ષોનું ભારત બંધને સમર્થન
- ભારત બંધથી આવશ્યક સેવાઓને છોડીને તમામ જગ્યાઓ પર બંધની અસર જોવા મળશે
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાની વિરુદ્વમાં ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે અને હવે ખેડૂત યુનિયને 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે ત્યારે વિરોધ પક્ષની ઘણી સ્થાનિક પાર્ટીઓ તરફથી ભારત બંધના આહ્વાનને સમર્થન મળ્યું છે. સરકાર સાથે 5 વાર મંત્રણા છત્તાં કોઇ સમાધાન ના આવતા આખરે ખેડૂતોએ બંધના એલાનની જાહેરાત કરી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી, દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ એમ કે સ્ટાલિન તથા ગુપકર ઘોષણાપત્ર ગઠબંધનના અધ્યક્ષ ફારુખ અબ્દુલ્લા સહિત વિરોધી નેતાઓએ રવિવારે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને ભારત બંધનું સમર્થન કર્યું હતું.
સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખેડૂત નેતા બલદેવ સિંહ યાદવે કહ્યું કે આ આંદોલન માત્ર પંજાબના ખેડૂતોનું નથી, પરંતુ સમગ્ર દેશના ખેડૂતોનું છે. અમે અમારા આંદોલનને મજબૂત કરવા માટે જઇ રહ્યા છીએ અને તે પહેલા પણ આખા દેશમાં નિષ્ફળ થઇ ચુક્યું છે. તેમણે તમામ બંધને શાંતિપૂર્ણ બનાવવા માટે સુનિશ્વિત કરવાની અપીલ કરી હતી.
નવા કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનોના ભારત બંધના આહ્વાનને કોંગ્રેસ, TRS, દ્રમુક, શિવસેના, સપા, NCP અને આપે સમર્થન આપ્યું છે. તે ઉપરાંત TMC, NCP અને ડાબેરીઓએ પણ બંધમાં જોડાવા માટે સમર્થન કર્યું હતું.
કઇ સેવાને થઇ શકે છે અસર
દેશમાં આવશ્યક સેવાઓને છોડીને લગભગ તમામ જગ્યાઓ પર બંધની અસર જોવા મળી શકે છે. દેશભરમાં ચક્કાજામની તૈયારી છે. રેલવે સેવાઓને પણ અસર થઇ શકે છે. કૃષિ આધારિત વિસ્તારોમાં બંધની વ્યાપક અસર જોવા મળી શકે છે. બજારથી લઇને સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઇ શકે છે. રસ્તા જામ થવાથી સપ્લાય ચેઇન અને પરિવહન સેવાઓની કમર તૂટી શકે છે.
(સંકેત)