Site icon Revoi.in

1 જાન્યુઆરી 2021થી સમગ્ર દેશમાં ફાસ્ટેગ ફરજીયાત થશે

Social Share

નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે વર્ષ 2021માં અનેક નવા નિયમો આવી રહ્યા છે. એ પ્રમાણે, હવે નવા વર્ષ એટલે કે, 1 જાન્યુઆરી, 2021થી વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે આ માહિતી આપી હતી. ફાસ્ટેગની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ ટોલ પ્લાઝામાં ઇલેક્ટ્રોનિક રીતે ફી ભરવાની સુવિધા છે. ફાસ્ટેગ ફરજીયાત બનાવ્યા પછી, વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવાનું રહેશે નહીં અને ટોલ ચાર્જની ચૂકવણી ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે અને એમએસએમઇ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે નવા વર્ષથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે. ગુરુવારે વર્ચુઅલ કાર્યક્રમને સંબોધન કરતાં ગડકરીએ કહ્યું કે ફાસ્ટેગ મુસાફરો માટે ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે તેમને રોકડ ચુકવણી માટે ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે. આ સિવાય તે સમય અને બળતણની પણ બચત કરશે.

ફાસ્ટેગ સર્વિસ 2016માં શરૂ કરવામાં આવી હતી, અને ચાર બેન્કોએ તે વર્ષે સામૂહિક રીતે એક લાખ ટેગ જારી કર્યા હતા. ત્યારબાદ 2017માં સાત લાખ અને 2018માં 34 લાખ ફાસ્ટેગ જારી કરાયા હતા. મંત્રાલયે આ વર્ષે નવેમ્બરમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2021થી વધુ જૂનાં વાહનો અથવા 1 ડિસેમ્બર, 2017 પહેલા વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

(સંકેત)