- ફિક્કીએ સરકારને લખ્યો પત્ર
- ફિક્કીએ મહામારીની સ્થિતિ જોતા ધો.12ની પરીક્ષા રદ્દ કરવાની કરી માંગ
- વર્તમાન પરિસ્થિતિ પરીક્ષા માટે યોગ્ય નથી: FICCI
નવી દિલ્હી: દેશમાં 12માં ધોરણની પરીક્ષા યોજાનાર છે ત્યારે ઇન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કીએ કોરોના મહામારીની હાલની સ્થિતિને જોતા 12માંની પરીક્ષા રદ્દ કરવાની માંગ કરતો પત્ર સરકારને લખ્યો છે. FICCIએ કહ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ પરીક્ષા માટે યોગ્ય નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર FICCIના ચેરમેન ઉદય શંકરે કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકને પત્ર લખીને કહ્યું છે કે, એકેડમિક પ્રગતિ માટે વૈકલ્પિક વ્યવસ્થા અપનાવવી જોઇએ.
તેમણે કહ્યું કે પરીક્ષાઓને ટાળવાથી માત્ર સ્થાનિક શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને જ નહીં પરંતું વિદેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં કોરોનાના કેસની સંખ્યા ચિંતાજનક છે ત્યારે આ ચિંતાજનક પરિસ્થિતિમાં પરીક્ષા લેવી યોગ્ય નથી. પરંતુ માળખાગત અભાવને કારણે ઑનલાઇન પરીક્ષાઓ લેવી તે પણ અવ્યવહારૂ છે. સૌથી મહત્વની વાત એ છે કે પરીક્ષાઓ લેવામાં જેટલો વિલંબ થશે તેટલો જ વિદ્યાર્થીઓમાં તણાવ વધશે. આથી ફિક્કી પરીક્ષાઓ રદ્દ કરવા માટે અપીલ કરે છે.