- ટ્વિટર બાદ ઇન્સ્ટાગ્રામ વિરુદ્વ એક્શન લેવાની તૈયારીમાં સરકાર
- દિલ્હીની સ્પેશિયલ સેલે ઇન્સ્ટાગ્રામ વિરુદ્વ કેસ દાખલ કર્યો
- ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
નવી દિલ્હી: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પછી હવે ઇન્સ્ટાગ્રામ પણ તપાસના ઘેરામાં છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે એક મોટી કાર્યવાહી કરતા ઇન્સ્ટાગ્રામ વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. પાછલા થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ છે. સૂત્રોનુસાર, FIRમાં હાલ કોઇપણ વ્યક્તિનું નામ આપીને તેને આરોપી નથી ગણવામાં આવ્યો.
મંગળવારે આ FIR દાખલ કરાઇ હતી. તેના પર કલમ 153 Aનો પણ ઉલ્લેખ છે. કેસ દાખલ થયા બાદ સ્પેશિયલ સેલની ટીમ પૂછપરછ માટે નોટિસ મોકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદન નોંધશે. ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરાશે.
કેન્દ્ર સરકારે હાલમાં જ ટ્વિટર વિરુદ્વ એક મોટી કાર્યવાહી કરતા તેની ઇન્ટરમીડિયટરીનો દરજ્જો સમાપ્ત કરી દીધો હતો. એટલે કે તેની કાયદાકીય સંરક્ષણની ભૂમિકા સમાપ્ત કરી દેવામાં આવી છે. હવે વાંધાજનક પોસ્ટના સંબંધિત શખ્સની સાથોસાથ ટ્વિટર પણ તેના માટે જવાબદાર રહેશે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર દેશ વિરોધી ગતિવિધિઓ ધાર્મિક લાગણીઓ દુભાવવી, સાંપ્રદાયિક તણાવ, સમાજમાં તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન કરવા જેવા ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખતા દિલ્હી, યુપી સહિત ઘણા રાજ્યોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્વ કેસ દાખલ કરાયો છે.