- પીએમ મોદીની અધ્યક્ષતામાં જમ્મૂ કાશ્મીરના નેતાઓ સાથે યોજાયેલી બેઠક પૂર્ણ
- પીએમ મોદીએ 8 પક્ષોના 14 નેતાઓ સાથે સાડા ત્રણ કલાક બેઠક કરી હતી
- પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરના વિકાસ અને લોકશાહી પર વિશેષ ભાર મૂક્યો હતો
નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં જમ્મૂ કાશ્મીરના નેતાઓ સાથે યોજાયેલી હાઇ પ્રોફાઇલ બેઠક પૂર્ણ થઇ ચૂકી છે. પીએમ મોદીએ 8 પક્ષોના 14 નેતાઓ સાથે સાડા ત્રણ કલાક બેઠક કરી હતી.
આ બેઠક દરમિયાન પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરના વિકાસ અને લોકશાહી પર વિશેષ ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કાશ્મીરી નેતાઓને કહ્યું હતું કે, જ્યારથી જમ્મૂ કાશ્મીર કેન્દ્ર સરકારના શાસન હેઠળ આવ્યું છે ત્યારથી રાજ્યમાં વિકાસ અને લોકશાહીનો ઉદય થયો છે.
બેઠકમાં ગુલાબ નબી આઝાદે કોંગ્રેસ તરફથી સરકારની સામે 5 મોટી માંગ રાખી છે.
પ્રથમ: જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ટૂંક સમયમાં જ આપવો જોઈએ. ગૃહમાં ગૃહમંત્રીએ અમને આશ્વાસન આપ્યું હતું કે રાજ્યનો દરજ્જો સમય આવ્યે અપાશે. અમે તર્ક આપ્યો છે કે હાલ શાંતિ છે તો આનાથી અનુકૂળ સમય બીજો ન હોય શકે.
બીજી: તમે લોકશાહીની મજબૂતીની વાત કરો છો, પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ છે તો આવામાં વિધાનસભાની ચૂંટણી પણ તરત જ કરવી જોઈએ.
ત્રીજી: કેન્દ્ર સરકાર ગેરન્ટી આપે કે અમારી જમીન અને રોજગારી અમારી પાસે જ રહે.
ચોથી: કાશ્મીર પંડિત છેલ્લા 30 વર્ષથી બહાર છે, જમ્મુ-કાશ્મીરની દરેક પાર્ટીની એ જવાબદારી છે તે તેઓને પરત લાવવામાં આવે અને તેમનું પુન:વસન કરવામાં આવે.
પાંચમી: 5 ઓગસ્ટે રાજ્યના બે ભાગ કર્યા હતા. અમે તેનો વિરોધ કર્યો.
બેઠક પૂર્ણ થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તમામ નેતાઓને જમ્મૂ કાશ્મીરના વિકાસ કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી. તેમણે કહ્યું કે સરકાર જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્વ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી આવાસમાં યોજાયેલી આ બેઠકમાં ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા, ગુલાબ નબી આઝાદ, રવિન્દ્ર રૈના, કવિન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ સજ્જાદ લોન, ભીમસિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.