- COP 26 સમિટમાં પ્રદૂષણને નાથવા માટે લેવાયો નિર્ણય
- મર્સિડિઝ, ફોર્ડ સહિત 6 કંપનીઓ પેટ્રોલ-ડીઝલ કારનું વેચાણ બંધ કરશે
- આ કંપનીઓ 2040 સુધીમાં આ પ્રકારની કારનું વેચાણ બંધ કરશે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે હવે આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે વિશ્વની છ મોટી કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે.
COP 26 સમિટ દરમિયાન વિશ્વને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા અને પ્રૂદષણને નાથવા માટે 2040 સુધીમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના વેચાણને ધીમે-ધીમે નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ માટે ફોર્ડ, મર્સિડીઝ, જનરલ મોટર્સ અને વોલ્વો સહિત છ મોટા કાર ઉત્પાદકો તેના માટે સંમત થયા હતા. 31 દેશોની સરકારે પણ આ નિર્ણયને સમર્થન આપતા ધીરે ધીરે આ પ્રકારની કારોનું વેચાણ બંધ કરવાની યોજના બનાવી છે.
આપને જણાવી દઇએ કે ગ્લાસગોમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલ COP6 સમિટ શુક્રવારે સમાપ્ત થશે. આ પહેલા બુધવારે ક્લાઇમેટ ચેન્જ પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ એક ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. જેમાં તમામ દેશોને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના લક્ષ્ય પર પુનર્વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે. જાહેર કરાયેલા દસ્તાવેજો કરારની પ્રારંભિક રૂપરેખા છે. ગ્લોબલ ક્લાઇમેટ સમિટ પછી લગભગ 200 દેશોએ તેના પર સહમત થવું પડશે.
એજન્સીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે દેશોએ કઠિન લક્ષ્યાંક નક્કી કરવા જોઈએ. કોલસા, તેલ અને ગેસ ઉત્પાદનોનો ઉપયોગ ઓછો કરવા માટે જનતાને પ્રોત્સાહિત કરવી જોઈએ. તેમના પર આપવામાં આવતી સબસિડી નાબૂદ કરવી જોઈએ. સમિટમાં જૂના લક્ષ્ય વિશે પણ વાત કરવામાં આવી હતી જે તાપમાનને 1.5 °C (2.7 ફેરનહીટ) ઘટાડવા માટે સેટ કરવામાં આવ્યું હતું.