Site icon Revoi.in

ફ્રાન્સે કાશ્મીર મુદ્દે ભારતનું કર્યું ફરી સમર્થન, આપ્યું આ નિવેદન

Social Share

નવી દિલ્હી: ઇસ્લામિક આતંકવાદની ટીકા કરનારા અને તેની વિરુદ્વ અવાજ ઉઠાવનારા ફ્રાન્સે કાશ્મીર મુદ્દે ભારતનું ખુલીને સમર્થન કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિના સલાહકારે કહ્યું કે ફ્રાન્સ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થક રહ્યું છે. ફ્રાન્સ અને ભારત વચ્ચે રણનીતિક વાર્ષિક સંવાદ માટે ભારત પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સલાહકાર ઇમેન્યુઅલ બોનએ ચીન પર નિશાન સાધ્યું હતું કે ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનને કોઇ પણ પ્રક્રિયાગત ખેલ ખેલવાની મંજૂરી આપી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇમેન્યુઅલ મેક્રોનના કૂટનીતિક સલાહકાર ઇમેન્યુઅલ બોને કહ્યું કે ચીન જ્યારે નિયમ તોડે છે, ત્યારે આપણે ખૂબ જ મજબૂત તેમજ સ્પષ્ટ થવું પડશે. હિન્દ મહાસાગરમાં અમારી નૌસેનાની હાજરીની એ જ ભાવના છે. ફ્રાન્સ ક્વાડ (અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના સમૂહ)ની નજીક છે અને ભવિષ્યમાં તેમની સાથે કેટલાક નૌસૈનિકો અભ્યાસ પણ કરી શકે છે.

ફ્રેન્ચ નેવીના તાઈવાન સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરનારી એકમાત્ર યુરોપીયન નેવી હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે ઉક્સાવવા તરીકે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવા માટે છે. બોને વધુમાં કહ્યું કે આપણે ઘર્ષણ તરફ આગળ વધવાનું નથી, સંતુલન જાળવી રાખવાનું છે. જેથી કરીને બધુ શાંતિ સાથે થઈ શકે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત સામે પ્રત્યક્ષ જોખમ અંગે અમે એકદમ સ્પષ્ટ રહ્યા છીએ. ભલે તે કાશ્મીર કેમ ના હોય. અમે સુરક્ષા પરિષદમાં ભારતના પ્રબળ સમર્થક રહ્યા છીએ. અમે ચીનને કોઇપણ પ્રકારનો પ્રક્રિયાત્મક ખેલ ખેલવા દીધો નથી. જ્યારે વાત હિમાલયના ક્ષેત્રોની આવે તો તમે અમારા નિવેદનો તપાસી લો, અમે સંપૂર્ણ રીતે સ્પષ્ટ રહ્યા છીએ.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પોતાની વાતચીત અંગે બોલતા તેમણે કહ્યું કે રણનીતિક તકોની સાથે સાથે દ્વિપક્ષીય રક્ષા અને સુરક્ષા સંબંધો અંગે ચર્ચા થઈ. સૈન્ય સહયોગ અને હિન્દ મહાસાગરના મુદ્દે પણ વાતચીત થઈ. ફ્રેન્ચ સલાહકારે કહ્યું કે ભારત અંગે ફ્રાન્સનું હંમેશા સ્પષ્ટ વલણ રહ્યું છે. અમે દરેક પગલે તેમની સાથે છીએ.

(સંકેત)