- આવતીકાલથી સમગ્ર દેશમાં થશે નિ:શુલ્ક રસીકરણ
- હવે કોવિન એપ પર પહેલાથી નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન
- હવે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી પડશે નહીં
નવી દિલ્હી: આવતીકાલનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે કાલથી સમગ્ર દેશમાં એટલે કે 21 જૂનથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણ નિ:શુલ્ક કરવામાં આવશે, રસીકરણનાં નવા તબક્કામાં 18 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને નિ:શુલ્ક ડોઝ લગાવવામાં આવશે અને સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. બીજી એક મહત્વની વાત એ છે કે હવે કોવિન એપ પર પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય નથી.
આપને જણાવી દઇએ કે દેશમાં વેક્સિનેશન ડ્રાઇવને વધુ ઝડપી બનાવવા માટે સરકારે તાજેતરમાં જ દેશભરમાં નિ:શુલ્ક રસીકરણનો નિર્ણય લીધો હતો. જેમાં સોમવારથી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી લગાવાશે. હવે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી પડશે નહીં. હવે કેન્દ્ર સરકાર આ રસીઓ ખરીદશે અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને તે વિના મૂલ્યે આપશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, કેન્દ્ર સરકાર જૂની નીતિ પર પાછા જવા માટે સંમત થઈ કારણ કે ઘણા રાજ્યોએ કહ્યું હતું કે તેઓને રસી ખરીદવામાં, તેના લોજિસ્ટિક્સનું સંચાલન કરવામાં અને નાણાંનું સંચાલન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને પણ અસર થઇ રહી હતી. તેથી, 21 જૂનથી, કેન્દ્ર સરકારે દેશભરમાં નિશુલ્ક રસીકરણની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, સમગ્ર વિશ્વને પોતાની બાનમાં લેનારા કોરોના રોગચાળા સામે હાલમાં રસી એકમાત્ર અસરકારક હથિયાર અને બ્રહ્માસ્ત્ર છે. હાલમાં ભારતમાં દૈનિક ધોરણે 30 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.