Site icon Revoi.in

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDS જનરલ રાવતે આપી ચેતવણી

Social Share

નવી દિલ્હી: ચીન તેની વિસ્તારવાદી નીતિને લઇને પહેલાથી જ કુખ્યાત છે અને હજુ પણ તે તેની વિસ્તરણની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન હવે મ્યાનમારમાં તેનું વર્ચસ્વ વધારવાની મુરાદ રાખી રહ્યું છે. ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે મ્યાનમારમાં ચીનના વધી રહેલા પગપેસારાને લઇને ચેતવણી આપી છે.

એક વેબિનારને સંબોધિત કરતા જનરલ રાવતે કહ્યું હતું કે, ભારતે હાલમાં મ્યાનમાર પર નજર રાખવાની આવશ્યકતા છે. મ્યાનમારમાં ફેબ્રુઆરી મહિનામાં સત્તા પલટો થયો છે અને તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા છે. જેના પગલે ચીન હવે આ દેશમાં પોતાની વગ વધારવા માટે પ્રયાસો કરી રહ્યું છે. મ્યાનમારમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવને આ પ્રતિબંધોને કારણે વેગ મળશે.

તેમણે કહ્યુ હતુ કે, મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય થાય તે ભારત માટે સારૂ હશે. રોહિગ્યા શરણાર્થીઓની આ દેશમાં હાજરી પણ ભારત માટે ચિંતાનો વિષય છે. જેનો ઉપયોગ કટ્ટરપંથી સંગઠનો દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવા માટે થઈ શકે છે.

ચીન સિવાય પૂર્વોત્તર વિસ્તારમાં બોર્ડર પર ઘૂસણખોરી તેમજ ડ્રગ્સની હેરફેર ભારત માટે ચિંતાનો વિષય છે. જોકે ભારત દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં આતંકવાદ વિરોધી અભિયાન તેમજ આ રાજ્યોની બોર્ડર સાથે જોડાયેલા દેશોમાં કટ્ટરવાદી સંગઠનોના આશ્રયસ્થાનોને થયેલા નુકસાનના કારણે આ રાજ્યોમાં હિંસા ઓછી થઈ છે પણ તેનો લાભ લઈને આ ક્ષેત્રમાં શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો કરવા પડશે.