ડૉ. મહેશ ચૌહાણ
અમદાવાદ: લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. દરેક વ્યક્તિ અદ્વિતીય છે. દરેક વ્યક્તિમાં વિશિષ્ટ પ્રકારના ગુણના આધ્યાત્મિક સંસ્કાર રહેલા હોવા જોઈએ. જે વિશ્વમાં અજોડ અને અદ્વિતીય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું તલસ્પર્શી, ઝીણવટભર્યું અને બારીકાઈથી ઊંડાણપૂર્વક અધ્યયન કરીએ તો પ્રજાતંત્ર માટે આવશ્યક ઐક્યભાવ ગુણોનો આવિર્ભાવ થાય તો આખું જગત એક કુટુંબ બની જાય. સૌ લોકો પ્રાણીમાત્રને પોતાના સમજશે અને તે મુજબનો વ્યવહાર સૌ સાથે કરશે. જે થકી એક આદર્શ પ્રજાતંત્ર નિર્માણ થશે. આવા સમતાયુક્ત પ્રજાતંત્રમાં કોઈ કોઈને દુઃખ નહીં પહોંચાડે, કોઈના માટે કોઈ ને વેર નહી રહે (निर्वैरः सर्वभूतेषु), સૌના હિત માટે સૌ સતત પ્રયત્ન કરતા રહેશે(सर्वभूतहिते रता:). કેમકે હું એક નથી, અનેક રૂપે હું જ છું. एकोहं बहुस्याम।
શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવેલ અને વેદવ્યાસજી દ્વારા શ્રીગીતાજી સ્વરૂપે સંકલિત અદભૂત અદ્વિતીય બહુઆયામી ધર્મવાણી કે જેનો વિશ્વની સૌથી વધુ ભાષામાં અનુવાદ થયેલ છે, તેને સમજવી સૌનું પરમ પવિત્ર દાયિત્વ છે.
શ્રીકૃષ્ણના અમૃતવચનો…..
●सर्वस्य चाहं ह्रदि सन्निविष्टो।
હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અન્તર્યામી રૂપે રહેલો છું.
●समं सर्वेषु भूतेषुतिष्ठन्त परमेश्वरम्
જે પરમાત્માને સઘળાં ચરાચર ભૂતો (પ્રાણીઓ)માં સમભાવે રહેલા જુએ છે, એ જ ખરું જુએ છે.
●आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।
હે અર્જુન! જે સ્વયંની જેમ સમગ્ર પ્રાણીમાત્રમાં સમાન દેખે છે, તે જ પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે.
●पण्डिता: समदर्शिन:
જ્ઞાનીજન સમાન દ્રષ્ટિવાળા હોય છે.
●सर्वभूतेषु येनैकं भावमव्यमीक्षते।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम्। ।
જે જ્ઞાનથી માણસ ભિન્ન-ભિન્ન જણાતાં બધાં જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્વભાવને, અવિભાજિતરૂપે સમભાવે રહેલો જુએ છે, એ જ્ઞાનને સાત્ત્વિક જાણ.
●सम पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम्।
न हिनसत्यात्मनात्मानं ततो याति परां गतिम्। ।
સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે.
●यदा भूत पृथग्भावमेकस्थमनुपश्यति।
तत एव विस्तारं ब्रह्म सम्पद्यते तदा।।
જે ક્ષણે, માણસ પ્રાણીઓનાં જાતજાતનાં સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળાં પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદઘન બ્રહ્મને પામી જાય છે.
આમ, મારામાં જે પરમાત્મા છે, તે જ સૌનામાં છે.अहं ब्रह्मास्मि तत्त्वमसि। સૌ સમાન છીએ. સૌમાં પોતાને અને પોતાનામાં સૌને સમજનાર હું મારું એટલે કે કોઈનું પણ અહિત ન જ કરી શકું. મારું એટલે કે સૌનું હિત જ સર્વોપરિ રહે. अहं થી वयं ની શુભકામના યુક્ત જીવનયાત્રા આપણી ચિર પુરાતન શાશ્વત સંસ્કૃતિમાં વિદ્યમાન હતી, છે અને રહેશે. જે પ્રજાતંત્ર માટે અત્યંત આવશ્યક અનિવાર્ય પૂર્વ શર્ત છે. આપણી સંસ્કૃતિમાં રહેલ આ એકાત્મતાના તત્ત્વજ્ઞાન થકી આદર્શ લોકતંત્ર થકી આપણો ભારત દેશ વિશ્વનો પથદર્શક અહર્નિશ રહેશે.
ચિંતન કણિકા:~
બાબાસાહેબ ડૉ.ભીમરાવ રામજી આંબેડકરજી કહે છે કે, “એ સત્ય છે કે આપણે બ્રહ્મને દેખી નથી શકતા, પરંતુ પ્રજાતંત્રના મૂળાધાર માટે બ્રહ્મસિદ્ધાંતનું ખૂબ જ મહત્વ છે. જ્યારે પ્રત્યેક વ્યક્તિ બ્રહ્મનો જ અંશ છે ત્યારે પ્રત્યેકને સમતા પ્રાપ્ત થાય છે અને પ્રજાતંત્રનો આ જ અર્થ થાય છે. તેથી પ્રજાતંત્ર માટે બ્રહ્મસિદ્ધાંત એક બુનિયાદી સિદ્ધાંત બની જાય છે.”
(પાંચજન્ય સંગ્રહણીય અંક-એપ્રિલ,૨૦૧૫માંથી સાભાર)
લેખક વિશે:
(લેખક ડૉ. મહેશ ચૌહાણે M.B.B.S કર્યું છે તેમજ અમદાવાદ સ્થિત એ.એમ.સી.મેટ.મેડિકલ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે.)