- ઇન્ટરનેટથી ઓનલાઇન ઓર્ડર દરમિયાન છેતરપિંડીના કિસ્સા વધ્યા
- ઓનલાઇન ઓર્ડર કરાયેલા iPhoneની જગ્યાએ બોક્સમાંથી સાબુ નીકળ્યા
- કોલકાતાના રહેવાસીએ છેતરપિંડી બાદ નોંધાવી પોલીસ ફરિયાદ
કોલકાતા: ઇન્ટરનેટના આ સમયમાં લોકોમાં અત્યારે ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ ખાસ્સો ફૂલ્યોફાલ્યો છે પરંતુ સાથે સાથે ઓનલાઇન ઓર્ડર કરાયેલી વસ્તુઓમાં છેતરપિંડીના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. આવો જ એક વધુ છેતરપિંડીનો કિસ્સો કોલકાતામાં બન્યો છે. કોલકાતામાં આઇફોનના નવા મોડેલનો ઓર્ડર કરનાર એક વ્યક્તિએ ઓર્ડરનું બોક્સ ખોલતા તેમાંથી ફોનની જગ્યાએ સાબુ નીકળતા તેઓ ચોંકી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકાતાના એરફોર્સ કેમ્પના રહેવાસી એવા એક અધિકારીએ આઇફોનના નવા મોડેલનો ઓર્ડર પ્લેસ કર્યો હતો. જ્યારે સામાનની ડિલિવરી થઇ અને તેમણે બોક્સ ખોલ્યું તો તેઓ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ બોક્સમાં iPhoneની જગ્યાએ સાબુ હતા. તેમણે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ કિસ્સા બાદ આ અધિકારીએ ઇ-કોમર્સ ફર્મ માટે કામ કરતા કર્મીઓ વિરુદ્વ એક લેખિત ફરિયાદ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેમણે 2 જાન્યુઆરીએ રૂપિયા 84,900ની કિંમતનો એક iPhone 12 (128GB) ઓર્ડર કર્યો હતો. તેમણે આ માટેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કર્યું હતું. જ્યારે 5 જાન્યુઆરીએ તેમના ઘરે એક પાર્સલ ડિલિવર થયું કે જે ખોલતા તેમાંથી ફોનને બદલે સાબુ નીકળ્યા હતા.
સૂત્રોનુસાર, એક અન્ય વ્યક્તિ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઇ છે, જેમાં નવા મોબાઇલને બદલે જૂનો અને તૂટેલો મોબાઇલ ડિલિવર કરાયો હતો. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
(સંકેત)