- ભારતના કોવિન પ્લેટફોર્મની સમગ્ર વિશ્વમાં વાહવાહી
- વિશ્વના 50 દેશોએ કરી ઉપયોગ કરવાની માંગ
- ભારત પોતાનું ઑપન સોફ્ટવેર વિનામૂલ્યે આપવા તૈયાર
નવી દિલ્હી: ભારત સરકારની કોવિન એપની માંગ હવે વિશ્વભરમાં જોવા મળી છે. કેનેડા, મેક્સિકો, નાઇજીરીયા અને પનામા સહિત લગભગ 50 જેવા દેશોએ પોતાના રસીકરણ અભિયાન માટે કોવિન જેવી પદ્વતિનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને બીજી તરફ ભારત પોતાનું ઑપન સોર્સ સોફ્ટવેર નિ:શુલ્ક શેર કરવા તૈયાર છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએમ મોદીએ અધિકારીને સોફ્ટવેરનું એક ઑપન સોર્સ સંસ્કરણ તૈયાર કરવાનો અને તેમાં રસ દાખવી રહેલા કોઇપણ દેશને વિના મૂલ્યે તે આપવાનો આદેશ આપ્યો છે. આ જાણકારી કોવિડ 19 રસીકરણ અભિયાન માટે અધિકાર પ્રાપ્ત સમૂહના અધ્યક્ષ ડોક્ટર આર એસ શર્માએ આપી છે.
કોવિન એપની લોકપ્રિયતા અંગે વાત કરતા ડૉક્ટર શર્માએ કહ્યું હતું કે, આ મંચ એટલું લોકપ્રિય છે કે મધ્ય એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકાના લગભગ 50 દેશોએ તેના જેવી પદ્વતિમાં રસ દાખવ્યો છે. વિશ્વભરના સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું એક વૈશ્વિક સંમેલન પાંચ જુલાઇના રોજ ડિજીટલ માધ્યમથી થવાનું છે. આ કાર્યક્રમમાં ભારત જણાવશે કે કોવિન એપ કઇ રીતે કામ કરે છે.
ડૉક્ટર શર્માએ જણાવ્યું હતું કે, અમે વિશ્વને જણાવી રહીએ છીએ કે આ સોફ્ટવેર કઇ રીતે કામ કરે છે અને અમે વિશ્વના કોઇપણ દેશ સાથે આ ઑપન સોર્સ સોફ્ટવેર મફતમાં શેર કરવા માટે તૈયાર છે. કેનેડા, પનામા, પેરુ, અઝરબૈઝાન, મેક્સિકો, યુક્રેઇન, નાઇજીરિયા, યુગાન્ડા જેવા દેશોએ રસ દાખવ્યો છે.
નોંધનીય છે કે, પાંચ મહિનામાં કોવિન 30 કરોડથી વધારે નોંધણી તેમજ રસીકરણને મેનેજ કરવા માટે લાયક બની ગયું છે. કોવિન જેવા મંચની સફળતા એ દર્શાવે છે કે ભારત ડિજીટલ રીતે પણ આગળ આવવા માટે સમર્થ છે.