- ભારત-ચીન સરહદી તણાવ વચ્ચે ભારત સૈન્ય ક્ષમતાનો કરશે વિસ્તાર
- ભારતીય નૌસેના માટે સરકાર 3.5 લાખ કરોડ ખર્ચશે
- ભારતીય નૌસેના આગામી 10 વર્ષમાં સબમરીન ખરીદીના 51 અબજ ડોલરના ઓર્ડર આપશે
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર સતત તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે ચીનને ટક્કર આપવા માટે ભારત પોતાની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. ભારત અનેક નવા શસ્ત્ર-સરંજામની ખરીદી કરી રહ્યું છે. હવે ભારત ટૂંક સમયમાં સબમરીન ખરીદવા જઇ રહ્યું છે. કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રીપદ નાયકે કહ્યું હતું કે ભારતીય નૌસેના આગામી 10 વર્ષમાં શીપ અને સબમરીનની ખરીદીના 51 અબજ ડૉલરના ઑર્ડર આપી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓએ ગોવા શિપયાર્ડ લિ. (GLL) અને મઝગાંવ ડાક શિપબ્લિડર્સ લિ. (MSDL)માં સંભવિત વિષય પર ઉદ્યોગ મંડળ CII દ્વારા આયોજીત એક વીડિયો કોન્ફરન્સને સંબોધતી વખતે આ વાત જણાવી હતી.
શ્રીપદ નાયકે કહ્યું કે, ભારતીય નૌસેનાના 60 ટકાથી વધુ મૂડીગત ખર્ચ માટે રાખવામાં આવ્યા છે. આ મૂડીગત બજેટનો 70 ટકા હિસ્સો દેશમાંથી ખરીદી માટે ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે ગત પાંચ વર્ષમાં અંદાજે 66,000 કરોડ રૂપિયાની ખરીદી સ્થાનિક સ્તરે કરવામાં આવી છે.
દેશની સુરક્ષા અંગે ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાડોશી દેશો અને જીયો પોલિટિકલ સ્થિતિને જોતા સમુદ્રમાં દેશની સુરક્ષા મહત્વપૂર્ણ થઇ ગઇ છે. આ કામમાં શિપયાર્ડની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. બોમ્બેમાં થયેલો 26/11નો હુમલો દરેકને યાદ હશે. આ હુમલાના આતંકીઓ સમુદ્રના જ રસ્તે આવ્યા હતા. આપણો સમુદ્ર કિનારો પણ વિસ્તારની દૃષ્ટિએ વિશાળ છે તેથી એ મારફતે ભારતમાં દુશ્મનો દ્વારા ઘૂષણખોરી થવાની શક્યતા વધુ હોવાથી તેની પણ સુરક્ષા એટલી જ જરૂરી છે.
(સંકેત)