- ભારતમાં કોરોનાની બીજી લહેરને લઇને સરકારે કોવિડ પ્રોટોકોલ જાહેર કર્યો
- સરકારે કહ્યું કે કોરોના વાયરસ હવાથી ફેલાઇ રહ્યો છે
- કોરોનાથી રિકવરી બાદ દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ આવશ્યક
નવી દિલ્હી: ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સરકારે ફરી એકવાર કોવિડના સંદર્ભમાં પ્રોટોકોલમાં ફેરફાર કર્યો છે.
સરકારે કોરોનાના પ્રસારને લઇને કહ્યું હતું કે, કોરોના હવાથી ફેલાય છે. સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી પ્રાપ્તિઓને પણ સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર બીમારીની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવનારી દવાઓ વિશે પણ સલાહ આપી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સરકારે નવા પ્રોટોકોલમાં WHOની જાણકારીને સામેલ કરી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ હવાના માધ્યમથી ફેલાઇ શકે છે. સરકારે બીજી તરફ સ્ટેરોઇડ, રેમડેસિવીર અને ટોસિલીજુમૈબ દવાના યોગ્ય રીતે ઉપયોગની પણ વાત કરી છે. સરકારે કોરોનાથી રિકવરી બાદ દવાના વિવેકપૂર્ણ ઉપયોગ માટે કહ્યું છે.
કોવિડ 19 સામે લડી રહેલા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી સ્ટેરોઇડ્સ બ્લેક ફંગસનું કારણ બની રહી છે તેવી આશંકા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. અત્યારસુધીમાં દેશના અનેક રાજ્યો મ્યુકોરમાઇસિસને મહામારી જાહેર કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે, દેશમાં રિકવરી રેટ વધીને 89.66 ટકા પર પહોંચી ગયો છે. અઠવાડિયામાં પોઝિટિવ રેટ 11.45 ટકા દૈનિક દર 9.42 ટકા પર છે. સતત 2 દિવસોથી પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો બનેલો છે.