- મધ્યપ્રદેશના ખેડૂતો માટે સરકારની અનોખી પહેલ
- હવે આ ખેડૂતોને ઇ-વાઉચર આપવામાં આવશે
- આ ઇ-વાઉચરથી તેઓ ખાતર ખરીદી શકશે
નવી દિલ્હી: મધ્યપ્રદેશના ખેડૂતો માટે એક વિશેષ પહેલ કરાઇ છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને ઇ-વાઉચર આપવામાં આવશે. શરૂઆતમાં આ ઇ-વાઉચર્સ ખેડૂતોને ખાતરની ખરીદી માટે અપાશે. જો યોજના સફળ થાય, તો તેનો ઉપયોગ અન્ય વસ્તુઓની ખરીદી માટે પણ થઇ શકે છે.
મધ્યપ્રદેશ સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ યોજનાના અમલીકરણ માટે સહકારી તેમજ કૃષિ વિભાગને સૂચના અપાઇ છે. ટૂંક સમયમાં સરકાર ખેડૂતોને સબસિડીની રકમના ડિજીટલ વાઉચર આપશે. વાઉચર લણણીની સિઝન શરૂ થાય તે પહેલા ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવાશે.
વાઉચરનો ઉપયોગ કરીને, સરકાર એ પણ જાણશે કે જે ખેડૂત ખાતર ખરીદી રહ્યો છે તે વાસ્તવિક ખેડૂત છે કે નહીં. આ સાથે સમિતિઓના ખાતા પણ સરકારની દેખરેખ હેઠળ રહેશે. ખાતરની કાળાબજારી અટકાવવા અને વાસ્તવિક ખેડૂતને સબસિડીનો લાભ આપવાના હેતુથી આ યોજના આગામી દિવસોમાં અસરકારક સાબિત થઈ શકે છે.
ખેડૂતોને તેના મોબાઇલ પર ઇ-વાઉચર ઉપલબ્ધ કરાવાશે. જ્યારે તે ખાતર ખરીદવા જશે ત્યારે આ વાઉચર સ્કેન કર્યા બાદ જ તેને ખાતર મળશે. વાઉચર સ્કેન થતાં જ માહિતી આવશે કે ખેડૂતને કેટલું ખાતર આપી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ખાતર વિતરણમાં થતી ગેરરીતિઓ રોકવા માટે સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ જાણવા મળ્યું હતું કે યુરિયાના વિતરણમાં મોટા પાયે ગેરરીતિ જોવા મળી હતી. જે બાદ તેને રોકવા માટે અનેક પ્રકારના ઉપાયોની ચર્ચા કરવામાં આવી રહી હતી.