Site icon Revoi.in

8,100 કરોડના બેંક કૌંભાડી સાંડેસરા બંધુઓના ભારત પ્રત્યાર્પણના પ્રયાસો સરકારે તેજ કર્યા

Social Share

નવી દિલ્હી: એક તરફ સરકાર મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે પ્રયાસરત છે અને હવે બીજી તરફ સરકારે 8,100 કરોડના બેંક લોન કૌંભાડી અને મોસ્ટ વોન્ટેડ એવા સાંડેસરા પરિવારને આલ્બેનિયા અને નાઇજીરિયાથી ભારતમાં પરત લાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજદ્વારીઓ અને તપાસ એજન્સીઓની એક ટીમ આલ્બેનિયા અને નાઇજીરીયન સરકાર સાથે સતત સંપર્કમાં છે અને આલ્બેનિયા અને નાઇજીરીયન સરકારે આ મોસ્ટ વોન્ટેડ પરિવારને મામલે ચર્ચા કરવામાં પણ રસ દાખવ્યો છે.

આમ તો ભારત અને આલ્બેનિયા વચ્ચે પ્રત્યાર્પણની સંધિ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ભારતના આલ્બેનિયા અને નાઇજીરીયા સાથે રાજદ્વારી સંબંધો સૂમેળભર્યા હોવાથી, ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વિનંતી નીતિન અને ચેતન સાંડેસરાની ધરપકડ કરવા માટે પૂરતી છે.

આપને જણાવી દઇએ કે રૂ.8,100 કરોડનું બેંક કૌંભાડ કરીને બે વર્ષથી ફરાર કૌભાંડી સાંડેસરા પરિવારે વર્ષ 2018માં જ આલ્બેનિયન નાગરિકત્વ મેળવી લીધું હતું અને તેમને ત્યાંના પાસપોર્ટ પણ ઇસ્યૂ કરી દેવાયા છે.

આ કેસમાં ED તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કરેલી તપાસમાં માલૂમ પડ્યું હતું કે, કૌંભાડી સાંડેસરા બંધુઓએ ભારત બહારની 92 મળીને કુલ 340 બોગસ કંપનીઓ બનાવી હતી અને ભારતીય બેંકોમાં લીધેલી લોનના પૈસા હવાલાથી વિદેશ ટ્રાન્સફર કરી દીધા હતા.