કોરોના કાળ વચ્ચે કેન્દ્રએ ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશનની માન્યતા માર્ચ 2021 સુધી લંબાવી
- કોરોના સંકટકાળને લઇને કેન્દ્ર સરકારનો નિર્ણય
- ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશનની માન્યતા માર્ચ 2021 સુધી વધારાઇ
- આ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સંબંધે એક પરિપત્ર જારી કરાયો
નવી દિલ્હી: કોરોના સંકટકાળ ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે વાહન સંબંધિત દસ્તાવેજોની માન્યતા ફરી એકવાર લંબાવીને 31 માર્ચ સુધી કરી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સંબંધે એક પરિપત્ર જારી કરાયો હતો. જે મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન રજિસ્ટ્રેશન સર્ટી અને પરમિટ જેની અવધિ પૂરી થઇ હોય તેવા દસ્તાવેજોની માન્યતા 31 માર્ચ 2021 સુધી રહેશે.
પરિપત્ર મુજબ કોવિડ-19ના ફેલાવાની રોકવા માટે જરુરી પગલાને ધ્યાનમાં રાખીને વાહન સંબંધિત દસ્તાવેજોની માન્યતાને લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પૈકી એ તમામ દસ્તાવેજોને સામેલ કરાયા હતા જેમની માન્યતા 1 ફેબ્રુઆરી 2020એ પૂરી થઇ હતી અથવા 31 માર્ચ 2021એ પૂરી થશે.
નોંધનીય છે કે, મંત્રાલયે આ પહેલા 30 માર્ચ, 9 જૂન અને આ વર્ષે 24 ઓગસ્ટે એડવાયઝરી જાહેર કરી હતી, જેમાં મોટર વાહન અધિનિયમ 1988 અને કેન્દ્રિય મોટર વાહન નિયમ 1989થી સંબંધિત દસ્તાવેજોની માન્યતા લંબાવવામાં આવી હતી.
(સંકેત)