માર્ચના અંત સુધીમાં ખાનગી કંપનીઓને પણ કોરોના વેક્સિનના વેચાણ માટે મળી શકે છે મંજૂરી
- સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન
- હવે સરકાર વેક્સિનના વેચાણ માટે ખાનગી કંપનીઓને આપી શકે છે મંજૂરી
- સરકારની મંજૂરી બાદ ખાનગી કંપનીઓ બજારમાં વેક્સિનનું વેચાણ કરી શકશે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં કોરોના વેક્સીન લેવા અનેક લોકો આગળ આવી રહ્યા છે જેને કારણે માર્ચ અથવા એપ્રિલ સુધી ઓપન માર્કેટમાં રસીના વેચાણને મંજૂરી આપવાની યોજના સરકાર બનાવી રહી છે. એટલે કે ખાનગી કંપનીઓ બજારમાં વેક્સીનનું વેચાણ કરી શકશે. સૂત્રોનુસાર સરકાર વેક્સિનેશન દર વધારવા માંગે છે જેને કારણે ઝડપથી વેક્સીનને ખુલ્લા બજારમાં ઉતારવા માટે મંજૂરી આપવા સક્રિય થઇ ગઇ છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ડીજીસીઆઇ દ્વારા મંજૂરી આપવામાં આવેલ વેક્સીનનો 6 મહિના સુધી સંગ્રહ કરી શકાય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં જાન્યુઆરી દરમિયાન વેક્સીનના કુલ 10 કરોડ ડોઝ તૈયાર છે. ભારત કેટલાક ખાસ પાડોશી દેશોને પણ રસીની નિકાસ કરી રહ્યું છે. જો કે રસીને એક્સ્પાયરી ડેટ અગાઉ તેનો ઉપયોગ કરવો પડશે. બજેટ 2021માં વેક્સિનેશન માટે રૂ.35,000 કરોડની ફાળવણી કરાઇ છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ આરોગ્ય કર્મચારીઓ માટે રસીકરણના કાર્યક્રમના બે અઠવાડિયા પછી 30 જાન્યુઆરીએ લક્ષ્યાંકિત એક કરોડ આરોગ્ય કર્મચારીઓમાંથી આશરે 37 ટકા (37,06,157)લોકોએ રસી લીધી છે.
કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 ટકા કરતા પણ વધુ રસીકરણ થઇ ગયું છે પરંતુ કેટલાક રાજ્યોમાં રસીકરણ દર ઓછો છે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં રસીકરણનું લક્ષ્ય 7,80,000 આરોગ્ય કર્મચારીઓ હતું, પરંતુ 30 જાન્યુઆરી સુધીમાં ફક્ત 2,69,064 આરોગ્ય કર્મચારીઓને રસી અપાઈ છે.
(સંકેત)