- સંયુક્ત કિસાન મોરચાએ કર્યું એલાન
- ચોમાસું સત્રના અંત સુધી ખેડૂતો સંસદ ભવન સામે કરશે વિરોધ પ્રદર્શન
- આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂત આગેવાનો સરકારના નવા ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતના આગેવાનો વચ્ચે અનેકવાર મંત્રણા છતાં પણ આ અંગે કોઇ સમાધાન મળ્યું નથી. હજુ પણ ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. હવે લગભગ 200 ખેડૂતોનું જૂથ ચોમાસું સત્ર દરમિયાન દરરોજ સંસદની સામે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરશે. ખેડૂત આંદોલનના નેતાઓ આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી હતી.
ચોમાસું સત્રમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે 17 જુલાઇએ દેશના તમામ વિરોધી પક્ષોને ચેતવણી પત્ર મોકલશે. વિપક્ષના સાંસદો દરરોજ આ મુદ્દો ગૃહની અંદર ઉઠાવે અને અમે કાયદાના વિરોધમાં બહાર બેસીશું. તેમણે કહ્યું કે, અમે વિરોધ પક્ષને વોક આઉટ કરવાનો લાભ ન આપવા માટે કહીશું.
સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થવા જઈ રહ્યું છે. ચારુણીએ કહ્યું, ‘સંસદની બહાર અમે વિરોધ પ્રદર્શન કરીશું, જ્યાં સુધી તેઓ અમારી માંગણીઓ નહીં સાંભળે.’ તેમણે કહ્યું કે, દરેક કિસાન સંઘના પાંચ ખેડૂતોને વિરોધ પ્રદર્શનમાં જોડાવામાં આવશે. SKM એ પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરની વધતી કિંમતો સામે 8 જુલાઈએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી છે.
તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ 8 જુલાઇના રોજ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનો પાર્ક કરે. સાથે જ તેમણે કહ્યું કે કાળજી રાખજો કે તેનાથી ટ્રાફિક જામ ન થાય. તેમણે પોતાના વિરોધમાં એલપીજી સિલિન્ડર લાવવાની માગ પણ કરી છે.