Site icon Revoi.in

OMG: એક જ ઝાડ પર 121 પ્રકારની કેરી, લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું

Social Share

નવી દિલ્હી: એક જ આંબાની વાડીમાં વિવિધ પ્રકારની અલગ અલગ કેરી ઉગાડવામાં આવી હોય એ વાત તો તમે સાંભળી જ હશે. પરંતુ એક જ ઝાડ પર 121 પ્રકારની કેરી ઉગાડવામાં આવી છે. તમે પણ ચોંકી ગયા ને? જી હા, પરંતુ આ હકીકત છે. હકીકતમાં, લગભગ 5-6 વર્ષ પહેલા કંપનીના બાગમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેનો હેતુ કેરીની નવી નવી જાતિ પર સંશોધન કરવાનો હતો.

સહારનપુરનું નામ કેરની ઉત્પાદનમાં અગ્રિમ હરોળ પર છે. આ જીલ્લામાં કેરીની ખેતી ભરપૂર કરવામાં આવે છે. જેના કારણે સહારનપુરમાં કેરીની નવી નવી જાત પર સંશોધન પણ થયા છે. લગભગ 5 થી 6 વર્ષ પહેલાં સહારનપુરના કંપની બાગમાં કેરીની ઝાડ પર અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ સમયે બાગાયત પ્રયોગ અને તાલીમ કેન્દ્રના તત્કાલીન જોઇન્ટ ડિરેક્ટર રાજેશ પ્રસાદે કેરીના એક જ ઝાડ પર 121 પ્રકારની કેરીની કલમને લગાવી હતી.

કોઈ એક જ ઝાડ પર સોથી પણ વધુ પ્રકારની કેરીની જાત જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. એટલું જ નહીં આ કેરીઓ ખરીદવા માટે કેટલાંક લોકો કંપની બાગે પણ પહોંચે છે. સંશોધન માટે જે ઝાડની પસંદગી કરવામાં આવી તેની ઉંમર લગભગ 15 વર્ષ હતી. આ દેશી ઝાડની વિવિધ શાખાઓ પર અલગ અલગ જાતની કેરીઓની કલમ લગાવવામાં આવી હતી. જે બાદ આ ઝાડની દેખરેખ માટે નર્સરી ઈન્ચાર્જની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. હવે આ ઝાડની દરેક શાખા પર અલગ અલગ પ્રકારની કેરી ઉગી છે.

આ 121 જાતની વિવિધ પ્રખ્યાત કેરીના નામ પણ અપાયા છે. જેમાં દશહરી, ચૌંસા, લંગડા, રામકેલા, આમ્રપાલી વગેરેની સાથે કેટલાંક અલગ નામ પણ આપવામાં આવ્યાં છે. જેમ કે સહારનપુર અરુણ, સહારનપુર સૌરભ, સહારનપુર ગૌરવ, સહારનપુર રાજીવ, લખનઉ સફેદા, ટોમી એટ કિંગ્સ, પૂસા સૂર્યા, સેંસેશન, રટૌલ, કલમી માલદા, બાંબે, સ્મિથ, મેંગીફેરા જાલોનિયા, ગોલા બુલંદશહર, લરન્ફુ વગેરે.

આ કંપની બાગના જોઈન્ટ ડિરેક્ટર બી.પી.રામે જણાવ્યું કે, આ કેરીના ઝાડ પર સંશોધન કરવામાં આવ્યું છે. જેના પર અલગ અલગ પ્રકારની જાતની કેરીની કલમ લગાવવામાં આવી હતી. હવે, આ ઝાડ પર કેરીની અલગ અલગ જાત ઉગે છે.