- આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો નિર્ણય
- ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આગામી વર્ષના પ્રારંભે ડિજીટલ હેલ્થ સર્ટિફિકેટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે
- હેલ્થ ઇ-પાસને કારણે મુસાફરના કોવિડ-19 સ્ટેટસની ચોક્કસ માહિતી પ્રાપ્ત થશે
આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીને વધુ સુરક્ષિત અને સલામત કરવાના ઉદ્દેશ્ય સાથે ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન કોરોના મહામારી પછી આગામી વર્ષના પ્રારંભે ડિજીટલ હેલ્થ સર્ટિફિકેટ ‘ ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાવેલ’ પાસનું ટ્રાયલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આપને જણાવી દઇએ કે આફ્રિકા જતા મુસાફરો માટે યલો ફીવરનું સર્ટિફિકેટ ફરજીયાત છે. એ જ દિશામાં જાન્યુઆરીથી IATA ટ્રાવેલ પાસ ઇશ્યૂ કરવામાં આવશે.
સૂત્રોનુસાર ટ્રાવેલ પાસ મુસાફરી માટે કોરોના વાઇરસ સંબંધિત તમામ જરૂરિયાત અને નિયંત્રણોની માહિતી માટે મુખ્ય સ્ત્રોત બનશે એવો એક અંદાજ છે. તેમાં વિશ્વભરની એરલાઇન્સ અને બોર્ડર ઓફિસર્સને બતાવવા માટે જરૂરી ટેસ્ટિંગ સંબંધી તમામ માહિતી હશે. ફેડરેશન ઑફ એસોસિએશન ઇન ઇન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટીના માનદ્ જનરલ સેક્રેટરી સુભાષ ગોયલે જણાવ્યું હતું કે, ટ્રાવેલ પાસ બધા માટે સમાન હેલ્થ સર્ટિફિકેટનું કામ કરશે. તે સરકાર, એરલાઇન્સ, એક્રેડિટેડ લેબોરેટરીઝ અને મુસાફરોને સ્વીકાર્ય હશે.
આ હેલ્થ પાસનું મહત્વ સમજાવતા ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકોને ક્વોરેન્ટાઇન કર્યા વગર આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સરહદો ખુલ્લી મૂકવા માટે ટ્રાવેલ પાસ આવશ્યક છે. સરકાર અન્ય દેશોની ફ્લાઇટ્સ શરૂ કરે તે પહેલાં તેને ખાતરી હોવી જોઇએ કે, ફ્લાઇટ્સમાં આવનારા પેસેન્જર્સ દેશમાં સંક્રમણ નહીં ફેલાવે. હેલ્થ ઇ-પાસને કારણે મુસાફરના કોવિડ-19 સ્ટેટસની ચોક્કસ માહિતી પ્રાપ્ત થશે.
(સંકેત)