કોરોના વેક્સીનનો નવો ઓર્ડર ના આપવાના સમાચારનું સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યું ખંડન, કહ્યું – સીરમને વેક્સીન માટે 1732 કરોડ એડવાન્સ ચૂકવાયા
નવી દિલ્હી: કોરોના વેક્સીનની સમગ્ર દેશમાં સર્જાયેલી અછત વચ્ચે વેક્સીન અંગે નવો ઓર્ડર ન આપવા સાથે જોડાયેલી ખબર સ્વાસ્થ્ય મંત્રાલયે ખોટી ગણાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એ વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને મે, જૂન, જુલાઇમાં કોવિશીલ્ડની વેક્સીનના 11 કરોડ ડોઝની ડિલિવરી માટે 1732.50 કરોડ રૂપિયા એડવાન્સમાં ચૂકવવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું કે, કોવિશીલ્ડ વેક્સીનના 10 કરોડ ડોઝના ઓર્ડર સામે ત્રીજી મે સુધી 8.74 કરોડ ડોઝની ડિલિવરી કરવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ભારત બાયોટેકના મે, જૂન અને જુલાઇમાં વેક્સીનના પાંચ કરોડ ડોઝની ડિલિવરી માટે 787.50 કરોડ રૂપિયા પહેલાથી ચૂકવી દેવામાં આવ્યા છે.
હકીકતમાં, કેન્દ્ર સરકારે અમુક મીડિયા સંસ્થાઓ તરફથી ચલાવવામાં આવેલા સમાચારોનું ખંડન કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, માર્ચના ડોઝ પછી બંને કંપનીઓને કોઇ જ ઓર્ડર આપવામાં આવ્યો નથી. સરકારે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, આ વાતો પાયાવિહોણી છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટને 11 કરોડ ડોઝ માટે 1732.50 કરોડ રૂપિયા પહેલા જ ચૂકવી દેવામાં આવ્યા છે. જેની ડિલિવરી જૂન અને જુલાઈમાં કરવાની છે. છેલ્લા 10 કરોડ ડોઝમાંથી 8.74 કરોડ ડોઝ મળી ચૂક્યા છે. આ રીતે ભારત બાયોટેકને પાંચ કરોડ વેક્સીનના ડોઝ માટે 787 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આ ડોઝ મે, જૂન અને જુલાઈમાં આપવાના રહેશે. ભારત બાયોટેકને આપવામાં આવેલા બે કરોડ ડોઝના ઑર્ડર સામે ત્રીજી મે સુધી 0.8813 કરોડ ડોઝ મળી ચૂક્યા છે.
ભારત સરકારે બીજી મે સુધી રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને 16.54 કરોડ વેક્સીનના ડોઝ આપ્યા હતા. હજુ કેન્દ્ર સરકાર પાસે 78 લાખ ડોઝ પડ્યા છે. આગામી ત્રણ દિવસમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 56 લાખ ડોઝ આપવામાં આવશે.
(સંકેત)