Site icon Revoi.in

હિમાચલમાં ભારે હિમવર્ષા: 2 હાઇવે સહિત 401 રોડ બંધ, વાહન વ્યવહાર ઠપ

Social Share

વર્ષ 2020 પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે સમગ્ર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હિમવર્ષા થઇ છે. રવિવારે રાત્રે હિમાચલમાં ભારે હિમવર્ષા અને વરસાદ પડ્યા બાદ શિમલા, મનાલી, ડેલહાઉસી સહિત અનેક પર્યટન સ્થળોમાં હિમવર્ષા થઇ છે. શિમલા અને ધર્મશાળાના નડ્ડી અને સોલાનમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઇ છે. સોલાનના સુબાથૂમાં 25 વર્ષ અને ધરમપુરમાં 20 વર્ષ બાદ હિમવર્ષા થઇ છે. હિમવર્ષાથી મનાલી-લેહ અને આની-જલોડી જોત નેશનલ હાઇવે સહિત 401 રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થઇ ચૂક્યો છે.

અહીંયા રસ્તા બંધ છે

હિમવર્ષાને કારણે જે રસ્તા બંધ છે તેમાં ચંબામાં સૌથી વધુ 150 રસ્તા, જ્યારે કુલ્લુમાં 57, લાહૌલ સ્પીતિમાં 75, મંડીમાં 27, શિમલામાં 87 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત પણ નાના-મોટા રસ્તાઓ પર પણ વાહન વ્યહવાર ઠપ છે. હિમાચલ એસટી નિગમના 377 રૂટ પણ પ્રભાવિત થયા છે. જ્યારે બસો અડધે રસ્તે ફસાઇ છે. રાજ્યમાં હિમવર્ષાથી 344 ટ્રાન્સફોર્મર બંધ થઇ ગયા છે.

અનેક વિસ્તારોમાં પાણીની સપ્લાયમાં અડચણ ઊભી થઈ છે. અટલ ટનલ રોહતાંગને પણ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવી છે. સોલંગનાલા પર્યટન સ્થળને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રશાસને પ્રવાસીઓને મનાલીથી પાંચ કિમી દૂર નેહરુકુંડ સુધી જ જવાની મંજૂરી આપી છે.

હિમાલચના આ 6 શહેરોમાં તાપમાન માઇનસમાં

મનાલી 0.6 ડિગ્રી, કલ્પા -3.4, કેલાંગ -11.6, ભુંતર -1.2, મંડી -2 ડિગ્રી, સોલાન -0.5, સુંદરનગરમાં લઘુત્તમ પારો -1.6 ડિગ્રી નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઉનામાં 23.6 ડિગ્રી રેકોર્ડ થયું છે.

મહત્વનું છે કે, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા હિમાચલ પહોંચેલા પર્યટકોને તાજેતરમાં થયેલી હિમવર્ષાથી લાભ થયો છે. પર્યટકો સોમવારે દિવસભર પર્યટન સ્થળોમાં બરફની વચ્ચે મસ્તી કરતા જોવા મળ્યા હતા. શિમલા-મનાલી સહિત પર્યટન સ્થળોની હોટલો ફૂલ થઇ ગઇ છે.

(સંકેત)