- જો તમે પણ ધૂમ્રપાન કરતા હોય તો ચેતજો
- ધૂમ્રપાન કરવાથી મોતનો ખતરો 50 ટકા વધુ રહે છે
- WHOએ તેના એક રિપોર્ટમાં આ જાણકારી આપી
નવી દિલ્હી: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ક્યાં સુધી રહેશે તે કહેવું તો અઘરુ છે પરંતુ કોરોના મહામારીને વ્યક્તિના શરીરમાં ફેફસાંનું કેટલું મહત્વ છે તે ચોક્કસપણે ભાન કરાવી છે. ફેફસાંને સ્વસ્થ રાખવાની જરૂરિયાત ઉભી થઇ છે.
આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના કાળમાં ધૂમ્રપાન કરી પોતાના ફેફસાંને નુકસાન પહોંચાડનાર લોકોમાં કોરોનાની ગંભીરતા અને તેનાથી મોતનું જોખમ 50 ટકા વધુ રહે છે. WHOના ચીફ ડૉ. ટ્રેડ્રોસ અધનોમ ધેબ્રેયેસસ અનુસાર સ્મોકિંગ કરનાર માટે આ ચેતવણી જારી કરાઇ છે.
સ્મોકિંગ જો છોડી દેવામાં આવે તો કોરોના વાયરસના જોખમને ઘટાડી શકાય છે. સ્મોકિંગને કારણે, કેન્સર, હૃદયની બીમારી અને શ્વાસની બીમારીનોં જોખમ વધી જાય છે.
જે લોકો સ્મોકિંગ કરે છે તેણે કોવિડ મહામારીને આ લત છોડવાના એક કારણના રૂપમાં જોવી જોઇએ. તેણે કોરોનાની ગંભીરતાનો સામનો કરી રહેલા અને ફેફસાની ક્ષમતાને ગુમાવી રહેલા દર્દીઓ વિશે જાણકારી મેળવીને સ્વસ્થ ફેફસાંના મહત્વને સમજવું જોઇએ તેવું નારાયણા હોસ્પિટલ ગુરુગ્રામમાં કન્સ્લટેન્ટ હેડ સર્જન ડૉ. શિલ્પી શર્માએ જણાવ્યું હતું.
કોઇપણ લતને છોડવા માટે માનસિક રીતે તૈયાર થવું સૌથી પ્રથમ પગલું છે. તેઓ ખરાબ આદત છોડવા ઇચ્છુક લોકોને કેટલાક નાના નાના ઉપાયો જણાવે છે. દિલ્હી સ્થિત એમ્સના આસિટન્ટ પ્રોફેસર ડૉક્ટર સોનાક્ષીનું કહેવું છે કે ધૂમ્રપાન કરનારે એક સમયમાં એક સિગરેટ ખરીદવી જોઇએ. એકવારમાં આખી પીવાની જગ્યાએ અડધી પીને છોડવાની આદત શરૂ કરવી જોઇએ.
નોંધનીય છે કે, સ્મોકિંગ કરનાર લોકો માટે કોવિડ-19 વધુ ઘાતક હોવાનું મોટું કારણ છે કે તેનું શરીર વાયરસના હુમલાને જવાબ ન આપી શકે અને ફેફસા નબળા હોવાને કારણે તેને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરીયાત અન્ય લોકોથી વધુ રહે છે.