Site icon Revoi.in

યાસ વાવાઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરે તેવી IMDની આશંકા

Social Share

નવી દિલ્હી: ભારતના પશ્વિમ કાંઠા પર ગંભીર ચક્રવાતી વાવાઝોડું તાઉ-તે ભારે તારાજી કર્યા બાદ હવે વધુ એક વાવાઝોડું યાસ ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડું યાસ 26-17 પૂર્વ કાંઠે પહોંચવાનું અનુમાન છે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગે બુધવારે આ જાણકારી આપી હતી. અંદમાન સાગર અને બંગાળની પૂર્વ મધ્ય ખાડીમાં 22મેના રોજ ઓછા દબાણ ક્ષેત્ર બનવાની શક્યતા છે ત્યારબાદ 72 કલાકમાં ચક્રવાતી વાવોઝોડામાં ફેરવાઇ શકે છે.

ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર તે ઉત્તર પશ્વિમ તરફ વધી શકે છે અને 26મેના રોજ સાંજ સુધીમાં પશ્વિમ બંગાળ-ઓડિશાના દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે. પશ્વિમ બંગાળ, ઓડિશા તેમજ મેઘાલયમાં 25મેથી હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે. IMDના અધિકારીએ કહ્યું કે, યાસ ગયા વર્ષે આવેલા અમ્ફાનની જેમ વિનાશકારી હોઈ શકે છે. IMDમાં વાવાઝોડાઓ પર નજર રાખનારી સુનીતા દેવીએ કહ્યું કે, અમે અમ્ફાન જેવી તીવ્રતાથી ઇન્કાર નથી કરી શકતા.

23 મેના રોજ બંગાળની ખાડીમાં વાવાઝોડું ચક્રવાતી બનવાની આગાહી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવને કરી હતી. ત્યારબાદ તે ચક્રવાત બનશે અને પશ્વિમ બંગાળ તેમજ ઓડિશાના કાઠે ટકરાય તેવી સંભાવના છે. જો કે આ વાવાઝોડું તાઉતે જેટલું પ્રચંડ નહીં હોય જે વિકરાળ સ્વરૂપનું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,  ચોમાસું બેસે તે પહેલાના મહિના એપ્રિલ-મેમાં પૂર્વ અને પશ્ચિમ કાંઠા પર અનેકવાર ચક્રવાત સર્જાતા હોય છે. મે 2020માં પૂર્વ કાંઠા પર વિકરાળ ચક્રવાતીય વાવાઝોડું અમ્ફાન સર્જાયું હતું.