Site icon Revoi.in

બજેટ 2021: સરકાર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સહિતની અન્ય વસ્તુઓ પર આયાત શુલ્ક વધારી શકે

Social Share

નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનામાં આગામી બજેટ રજૂ થવાનું છે ત્યારે આ બજેટમાં કેન્દ્ર સરકાર સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ અને અપ્લાયંસેસ સહિત લગભગ 50 આઇટમ્સ પર 5-10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ મામલા સાથે જોડાયેલા લોકોના હવાલાથી આ જાણકારી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર દ્વારા આયાત શુલ્ક વધારવાનો આ નિર્ણય પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત હશે, જેથી ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળી શકે. સરકાર આ પગલાંથી 200-210 અબજ રૂપિયાના વધારાના રેવેન્યૂનું લક્ષ્ય રાખી રહી છે. કોરોના વાયરસને કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે અને તેને કારણે સરકારની આવક પર પણ વિપરીત અસર જોવા મળી છે અને તેમાં ઘટાડો થયો છે.

સરકારી સૂત્રોનુસાર આયાત શુલ્કમાં વધારાથી ફર્નિચર તેમજ ઇલેક્ટ્રોનિક્સ વાહનોની આયાત પર સૌથી વધુ અસર પડશે. તેનાથી સ્વીડનની કંપની આઇકિયા તેમજ એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર અસર પડશે. હાલમાં જ ટેસ્લાએ ભારતમાં પોતાના પ્લાન્ટને સ્થાપવાની યોજના અંગે જાણકારી આપી છે. જો કે ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક વાહનો પર આયાત શુલ્કમાં કેટલો વધારો થશે તે અંગે જાણકારી આપવામાં આવી નથી.

આપને જણાવી દઇએ કે પહેલા પણ ટેસ્લા ને આઇકિયા કંપની ભારતમાં વર્તમાન આયાત શુલ્ક વ્યવસ્થાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય ફ્રિઝ અને એસી પર પણ આયાત શુલ્ક વધી જશે. આ પ્રસ્તાવ પર અંતિમ મહોર પહેલા તેમાં કેટલાક ફેરફાર કરાય તેવી પણ સંભાવના છે.

નોંધનીય છે કે ભારતમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના ટેક્સ લાદવા આવશ્યક છે. તેનાથી ઘરેલું વેપારને પ્રોત્સાહન મળી શકશે. ગત વર્ષે ભારતે ફૂટવેર, ફર્નિચર, રમકડાં, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ સહિત ઘણી વસ્તુઓ પર 20 ટકા આયાત શુલ્ક વધારી હતી.

(સંકેત)