- હવે ગેસ બૂકિંગની નહીં રહે ચિંતા
- હવે માત્ર એક મિસ્ડ કોલ કરીને ગેસ સિલિન્ડર બૂક કરાવી શકો છો
- ઇન્ડેન ગેસે તેના ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે
મુંબઇ: હવે તમે ગેસ બૂકિંગ કરાવવાની ઝંઝટમાંથી મુક્ત થશો. હવે તમે એક મિસ્ડ કોલ કરીને પણ ગેસ સિલિન્ડર બૂક કરાવી શકો છો. ઇન્ડેન ગેસ તરફથી પોતાના ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. ઇન્ડેન ગેસની બોટલ હવે તમે ફક્ત એક મિસ્ડ કોલ કરીને બુક કરાવી શકો છો. એટલું જ નહીં, એક મિસ્ડ કોલથી નવું ગેસ કનેક્શન પણ મેળવી શકશે.
ઇન્ડેન ગેસની આ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકોએ પોતાના નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરવો પડશે. આ માટે ગેસ કંપની તરફથી એક નવો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. હવે જો તમે તમારા કંપની સાથે નોંધાયેલા હોય તેવા મોબાઇલ નંબર પરથી એક મિસ્ડ કોલ કરશો તો તમારી ગેસની બોટલ બુક થઇ જશે.
કંપની તરફથી આ સેવા માટે એક સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. જેવો ગ્રાહક મિસ્ડ કૉલ કરશે કે તે સર્વરના માધ્યમથી એજન્સીને ગ્રાહકની જાણકારી આપશે. ગ્રાહક તેના માધ્યમથી તેમના ગેસ બુકિંગની જાણકારી પણ મેળવી શકશે. કંપનીનું માનવું છે કે મિસ્ડ કૉલ સેવાથી ગ્રાહકોને ખૂબ ફાયદો થશે અને તેઓ સરળતાથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે. કંપની તરફથી આ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકોએ 8454955555 નંબર પર મિસ્ડ કૉલ કરવાનો રહેશે. આ જ નંબર પરથી નવું ગેસ કનેક્શન પણ લઈ શકાય છે.
Indane Gasના અધિકારીઓએ જણાવ્યું કે, આ સેવા પહેલી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. જો ગ્રાહક કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નંબર પર મિસ્ડ કૉલ કરશે તો ગેસ સિલિન્ડર બુક થઈ જશે. ગ્રાહકે બસ એ વાત જ ધ્યાનમાં રાખવાની છે કે એ જ મોબાઇલ નંબર પરથી મિસ્ડ કૉલ કરવાનો છે જે નંબર ગેસ એજન્સી સાથે નોંધાયેલો છે. જો અન્ય કોઈ મોબાઇલ નંબર પરથી મિસ્ડ કૉલ કરશો તો સિસ્ટમ તમારું બુકિંગ કરી શકશે નહીં.
(સંકેત)