- ભારત અને ફ્રાન્સ તેમના ત્રીજા સંયુક્ત મિશન પર છે કાર્યરત
- ફ્રાન્સની કંપની હાલમાં અનેક તકોનો લાભ લેવા માટે ઉત્સુક છે
- અવકાશ ક્ષેત્રમાં ફ્રાન્સ ભારતનો સૌથી મોટો ભાગીદાર છે: કે સિવન
નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ તેમના ત્રીજા સંયુક્ત મિશન પર કાર્યરત છે તેવું ઇસરોના ચેરમેન કે સિવને એક નિવેદનમાં જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસમાં સચિવ તરીકે પણ ફરજ બજાવતા સિવને જણાવ્યું હતું કે ફ્રાન્સની અનેક કંપનીઓ ભારતમાં સરકાર દ્વારા અવકાશ સેક્ટરમાં કરવામાં આવેલા સુધારાઓથી ઉભી થયેલા તકોનો લાભ લેવા માટે ઉત્સુક છે.
ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ એન્ડ ટેક્નોલોજીના એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે અવકાશ ક્ષેત્રમાં ફ્રાન્સ ભારતનો સૌથી મોટો ભાગીદાર છે. નેશનલ કાઉન્સિલ ફૉર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન અને વિજ્ઞાન પ્રસાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇસરોના અધિકારી અનુસાર ઇસરો તેમજ ફ્રેન્ચ સ્પેસ એજન્સી સીએનઇસ અગાઉ પણ બે સંયુક્ત મિશન હાથ ધર્યા હતા. વર્ષ 2011માં પ્રથમ સંયુક્ત મિશન મેઘા ટ્રોપિક્સ અને વર્ષ 2013માં સરલ અલતિકા મિશન હાથ ધર્યું હતું. હાલમાં અમે ત્રીજા સંયુક્ત મિશન પર સંયુક્તપણે કાર્ય કરી રહ્યા છીએ.
(સંકેત)