Site icon Revoi.in

ભારતે હવે પરમાણુ મિસાઇલને ટ્રેક કરી શકે તેવું સ્વદેશી જહાજ કર્યું તૈનાત

Social Share

નવી દિલ્હી: ભારતે હવે પરમાણુ મિસાઇલને ટ્રેક કરી શકે એવું નૌકા જહાજ તૈનાત કરી દીધું છે. વીસી-11884 એવુ સાંકેતિક નામ ધરાવતું આ જહાજ ઑક્ટોબર 2020માં જ લોન્ચ કરી દેવાયું હતું. પરંતુ અન્ય જહાજોની માફક તેના લોન્ચિગનો કાર્યક્રમ રખાયો ન હતો. આ અંગે મીડિયામાં અહેવાલ પ્રગટ થયા બા દેશ-દુનિયાને તેની જાણકારી પ્રાપ્ત થઇ હતી.

કોઇ દેશ દ્વારા પરમાણુ મિસાઇલ રવાના કરવામાં આવે તો એ દૂર હોય ત્યાં જ તેની જાણકારી મળે તે ખૂબ જ આવશ્યક હોય છે. એ માટે વિવિધ પ્રકારની વોર્નિંગ સિસ્ટમ નેશનલ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે. આ જહાજ પણ તેનો જ ભાગ છે. આ પ્રકારનું સર્વેલન્સ જહાજ ધરાવતો ભારત વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. અમેરિકા, ચીન, રશિયા અને ફ્રાન્સ પાસે મિસાઇલ ટ્રેકિંગ વેસલ છે.

આ જહાજના બાંધકામ વિશે વાત કરવામાં આવે તો તે ભારતમાં જ નિર્મિત છે. એ બાંધકામની માહિતી સેટેલાઇટ ઇમેજીસ દ્વારા અન્ય દેશોને ન મળે એટલે ઘણી ખરી કામગીરી હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડના કવર થયેલા ડોમમાં કરવામાં આવી હતી.

ભારતનું આ જહાજ અન્ય પરંપરાગત નૌકા જહાજો કરતાં અલગ છે. તેના તૂતક પર વિવિધ શસ્ત્રો ઓછા છે, પણ 3 મોટા ડોમ છે. એ ડોમ રેડારના છે, જેનું કામ દૂરથી મિસાઈલને પારખી લેવાનું છે. પરમાણુ મિસાઈલ્સ ઉપરાંત અન્ય મિસાઈલો, સબમરિન, દુશ્મન જહાજો વગેરેની જાણકારી મળી શકે એટલા માટે જહાજમાં આધુનિક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી દેવાઈ છે.

પરમાણુ મિસાઈલ્સ દર વખતે જમીન પરથી જ લૉન્ચ થાય એવુ જરૂરી નથી. પરમાણુ સબમરિનો અથવા જહાજમાંથી પણ એટલે કે સમુદ્ર સપાટી પરથી પણ પરમાણુ મિસાઈલ લૉન્ચ થઈ શકે.

(સંકેત)