Site icon Revoi.in

કોરોના વેક્સિનેશન અભિયાન, 1 કરોડથી વધુ લોકોને અપાઇ રસી, ભારતે નોંધાવી સિદ્વિ

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે ભારત જુસ્સાપૂર્વક તમામ મોરચે લડી રહ્યું છે. કોરોના વેક્સિનેશન અભિયાને તેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા કોવિડ 19 વેક્સિન અભિયાન અંતર્ગત અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે, જે એક મોટી સિદ્વિ કહી શકાય.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, દેશમાં અત્યારસુધીમાં કુલ 1,01,88,007 લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,193 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,63,394 થઇ ગઇ છે.

કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 6 લાખ 67 હજાર 741 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 10,896 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,39,542 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,111 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,94,74,862 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના 24 કલાકમાં 7,71,071 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 263 નવા કેસ નોંધાયા હતા જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.71 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મૃત્યુ થયું નથી. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4403 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 2,66,297 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે.

ગુજરાતમાં હાલ 1696 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર અને 1665 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,60,198 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 8,08,658 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 3028 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

(સંકેત)