- કોરોના વેક્સીનના વિતરણ માટે ભારતીય હવાઇ દળે કમર કસી
- વેક્સીન વિતરણ માટે હવાઇ દળના માલવાહક જહાજો અને 100 વિમાનો તૈયાર
- ભારતના અંતરિયાળ વિસ્તારોમાં એર લિફ્ટની નોબત આવી શકે છે
નવી દિલ્હી: કોરોના વાયરસને મ્હાત આપવા માટે કોરોનાની વેક્સીન ખૂબ ઝડપથી હવે તૈયાર થવાની છે ત્યારે દેશમાં એટલા મોટા સ્તર પર વેક્સીનના વિતરણ માટે ભારતીય હવાઇ દળે કમર કસી લીધી છે. હવાઇ દળનાં પોતાના માલવાહક જહાજો અને હેલિકોપ્ટર સહિત 100 વિમાનોને વેક્સીન માટે તૈયાર કરી લીધા છે. દેશના દૂર દૂરના તેમજ અંતરિયાળ વિસ્તારોમાં વેક્સીન લઇ જવા માટે એર લિફ્ટની પણ નોબત આવી શકે છે.
વેક્સીન વિતરણની તૈયારીના ભાગરૂપે હવાઇ દળે ત્રણ અલગ અલગ પ્રકારનાં વિમાનોની ઓળખ કરી છે. જે વેક્સીન વિતરણમાં મદદગાર સાબિત થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફાર્મા કંપનીઓથી વેક્સીન 28 હજાર કોલ્ડ સ્ટોરેજ ચેઇન સુધી પહોંચાડવા માટે કદાવર જવાબદારી સી-17 ગ્લોબમાસ્ટર, સી 130 જે સુપર હર્ક્યુલિસ અને આઇ એલ 76 નિભાવશે.
નોંધનીય છે કે નાના સેન્ટર્સ માટે AN-32 અને ડોનિયર્સની તૈનાતી કરવામાં આવી છે. લાંબા અંતરની ડિલિવરી માટે ALH, ચિતા અને ચિનૂક હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે. હવાઇ દળ ઉપરાંત દેશની રાજધાની દિલ્હી અને હૈદરાબાદ એર કાર્ગો વેક્સીનના ટ્રાન્સપોર્ટ માટે તૈયાર છે. આ બંને હવાઇ મથકો પર વેક્સીનના કોલ્ડ સ્ટોરેજ, એર ક્રાફ્ટથી સ્ટોરેજ લાવવાની પ્રક્રિયા અને સુરક્ષાની તૈયારી કરવામાં આવી છે.
નોંધનીય છે હાલમાં ભારતમાં અલગ અલગ 6 વેક્સીનની ટ્રાયલની કામગીરી ચાલી રહી છે. થોડાક સમય પહેલા જ PM મોદીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં PM મોદીએ કોરોના વેક્સીન ટૂંક સમયમાં આવી શકે છે તેવા સંકેતો પણ આપ્યા હતા. કોરોના વેક્સીન આવ્યા બાદ કોરોના મહામારીનો અંત આવશે તેવી સૌ કોઇ આશા સેવી રહ્યા છે.
(સંકેત)