- પાકિસ્તાન-ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધશે
- ભારતીય વાયુસેના 114 મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદશે
- આ સોદાની અંદાજીત કિંમત 1.3 લાખ કરોડ રૂપિયા છે
નવી દિલ્હી: પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેના પોતાનું સામર્થ્ય વધારવા માટે હવે એક યોજના પર કાર્યરત છે. હાલમાં જ મોદી મંત્રીમંડળે 83 તેજસ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી હતી. જે અંગે એરો ઇન્ડિયા શોમાં ડીલ નક્કી થાય એવી આશા છે. હવે એરફોર્સ 114 મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આ સોદાની અંદાજીત કિંમત 1.3 લાખ કરોડ રૂપિયા છે.
એરફોર્સ એ માટે ટેન્ડર માટે રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન-RFI જારી કરી હતી જેના જવાબમાં અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને સ્વીડનની ફાઇટર જેટ બનાવતી કંપનીઓએ રસ દાખવ્યો હતો. આ ડીલ હેઠળ મોટી સંખ્યામાં 4.5 જેનરેશનના એવા અત્યાધુનિક એરક્રાફ્ટ ખરીદવામાં આવશે જે હાલમાં જ ખરીદેલા રાફેલ ફાઇટર જેટની ક્ષમતા જેટલા જ સક્ષમ હશે.
જોકે ખાસ મુદ્દો એ છે કે, 114 એરક્રાફ્ટ મેડ ઇન ઇન્ડિયા હશે અને વિદેશી કંપનીઓ ઇન્ડિયન પાર્ટનર સાથે માત્ર ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. જેનાથી ડિફેન્સ સેક્ટર આત્મનિર્ભર બનાવવાના ઉદેશમાં મદદ મળી શકે, એરફોર્સે 4 વર્ષ દરમિયાન 119 એરક્રાફ્ટની ડીલ ફાઇનલ કરી હતી.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ચીન જે રીતે પોતાની સંરક્ષણ ક્ષેત્રે ક્ષમતા વધારી રહ્યું છે તે જ રીતે હવે ભારત પણ તેની સંરક્ષણ ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
(સંકેત)