- ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણના રિપોર્ટ્સને ભારતીય સેનાએ ફગાવ્યા
- મે 2021ના પ્રથમ સપ્તાહમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે કોઇ ઘર્ષણ થયું નથી
- સેનાએ એક નિવેદન બહાર પાડીને સ્થિતિ સ્પષ્ટ કરી છે
નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરીથી ઘર્ષણને લઇને કેટલાક રિપોર્ટ્સ ફરતા થયા છે. જો કે ભારતીય સેનાએ હવે ખુદ આ રિપોર્ટ્સને ફગાવ્યા છે. આ રિપોર્ટ્સને ફગાવીને ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે અને તેના પર સ્થિતિ સ્પષ્ટ કરી છે.
ભારતીય સેનાએ રિપોર્ટ્સ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, એક મીડિયા રિપોર્ટમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણની વાત સામે આવી છે. સ્પષ્ટતા કરવામાં આવે છે કે મે 2021ના પ્રથમ સપ્તાહમાં પૂર્વ લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવો કોઇ આમનો સામનો થયો નથી.
ભારતીય સેના (Indian Army) એ પોતાના નિવેદનમાં કહ્યું કે ‘આ રિપોર્ટ એવા સ્ત્રોતથી પ્રેરિત જોવા મળે છે જે પૂર્વ લદાખમાં મુદ્દાઓના જલદી સમાધાનને લઈને ચાલુ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો પ્રયત્ન કરી શકે છે.’ આ સાથે જ સેનાએ એ પણ કહ્યું કે મીડિયાએ જ્યાં સુધી સેનાના કોઈ અધિકારી કે કોઈ અધિકૃત સ્ત્રોત દ્વારા જાણકારી ન મળે ત્યાં સુધી કોઈ રિપોર્ટ પ્રકાશિત કરવો જોઈએ નહીં.
નોંધનીય છે કે, ભારતીય સેનાએ કહ્યું હતું કે, 23મે 2021ના રોજ મીડિયામાં પ્રકાશિત ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે મામૂલી આમનો સામનો હેડલાઇન પર અમે ધ્યાન આપ્યું છે. એવું સ્પષ્ટ કરાય છે કે મે 2021ના પ્રથમ સપ્તાહમાં પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવું કોઇપણ પ્રકારનું ઘર્ષણ થયું નથી.