- પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સેનાને સ્પેશ્યલ બોટ મળવાની શરૂ
- આ પેટ્રોલિંગ બોટ કદમાં ઘણી મોટી હશે
- તે મશીનગન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ હશે
નવી દિલ્હી: LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાને હવે પેંગોંગ-ત્સો તળાવમાં પેટ્રોલિંગ માટે નવી બોટ મળવાની શરૂ થઇ છે. આ પેટ્રોલિંગ બોટ આર્મી અને ITBP દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી બોટ અને સ્ટીમર કરતાં ઘણી મોટી હશે.
આપને જણાવી દઇએ કે ગત વર્ષે LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે પેંગોંગ-ત્સો તળાવમાં પેટ્રોલિંગ માટે 29 નવી બોટનો ઓર્ડર આપ્યો હતો. આ નવી બોટો ભારતના બે મોટા શિપયાર્ડમાં બનાવવામાં આવવાની હતી. ગોવા શિપયાર્ડ લિમિટેડમાંથી 12 બોટ મંગાવવામાં આવી હતી અને 17 બોટને ખાનગી શિપયાર્ડમાં મોકલાઇ હતી. આ પેટ્રોલિંગ બોટો પેટ્રોલિંગ અને સર્વેલન્સ માટે મશીનગન અને સર્વેલન્સ-ગીયરથી સુસજ્જ છે.
જ્યારે બીજી તરફ 35 ફૂટ લાંબા બોટ બનાવતા ખાનગી શિપયાર્ડનો ઉપયોગ સૈનિકોની ઝડપી હિલચાલ માટે થવાનો છે. આ નૌકાઓની ક્ષમતા વિશે વાત કરીએ તો તોમાં દોઢ ડઝન સૈનિકો સવાર થઇ શકે છે. આગામી કેટલાક મહિનામાં આર્મીને તમામ બોટો મળી જશે.
નોંધનીય છે કે, ગયા વર્ષે મે મહિનાથી પૂર્વી લદ્દાખને અડીને આવેલ લાઇન ઓફ કંટ્રોલ (LAC)થી શરૂ થયેલા સંઘર્ષ બાદ એવું માનવામાં આવે છે કે પેંગોંગ-ત્સો(Pangong-Tso)તળાવમાં પણ તણાવ વધી શકે છે. કારણ કે ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી એલએસી(LAC) પેંગોંગ-ત્સો તળાવની વચ્ચેથી પસાર થાય છે.