- ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે ભારત સરકારે કર્યું એલાન
- રાષ્ટ્રીય સુરક્ષા માટે ભારત સરકાર કેટલાક ટેલિકોમ ઇક્વિપમેન્ટ વેન્ડર્સને કરી શકે છે બ્લેકલિસ્ટ
- સરકાર ભરોસાપાત્ર ટેલિકોમ વેન્ડર્સની યાદી જાહેર કરશે
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે કેટલાક ટેલિકોમ ઇક્વિપમેન્ટ વેન્ડર્સ પર સંભવિત પ્રતિબંધના સંકેતો આપ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકારે ઘોષણા કરી હતી કે, દેશમાં કેટલાક ભરોસાપાત્ર ટેલિકોમ ઇક્વિપમેન્ટ વેન્ડર્સની યાદી તૈયાર કરવામાં આવશે, જેમની પાસે ઉપકરણોની ખરીદી કરી શકાય.
સરકારનું આ એલાન કેટલાક ટેલિકોમ વેન્ડર્સ માટે ફટકા સમાન કહી શકાય છે. સરકાર આ નીતિ હેઠળ કેટલાક ટેલિકોમ વેન્ડર્સને બ્લેકલિસ્ટ પણ કરે તેવી સંભાવના છે.
આ અંગે એલાન કરતા કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળે ટેલિકોમ ક્ષેત્રે નેશનલ સિક્યોરિટી ડાયરેક્ટિવસ્ને મંજૂરી આપી હતી. આ માટે સરકાર ભરોસાપાત્ર ટેલિકોમ વેન્ડર્સની યાદી જાહેર કરશે, આ દરમિયાન એવા વેન્ડર્સનું લિસ્ટ પણ તૈયાર કરાશે જેમની પાસેથી કોઇ ખરીદી કરવામાં આવશે નહીં.
મહત્વનું છે કે, સરહદ પર ચીન સાથે વિવાદ બાદ અત્યારસુધી કેન્દ્ર સરકાર દેશમાં અનેક ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. જૂલાઇ અને નવેમ્બર મહિનામાં ચીનની ટિકટોક, શેયર ચેટ, યૂસી બ્રાઉઝર, હેલો, વિગો જેવી એપ્સ પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ એપ્સ ખતરારૂપ હોવાથી આ પ્રતિબંધ મૂક્યો હતો.
(સંકેત)