Site icon Revoi.in

રાહુલ ગાંધીની ટિપ્પણી પર સરકારનો પલટવાર, કહ્યું – ભારતે કોઇ વિસ્તાર ચીનને નથી આપ્યો

Social Share

નવી દિલ્હી: ભારતે પૂર્વ લદાખના પેંગોંગ સો વિસ્તારમાં સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા પર સમજૂતી કરતા એક પછી એક વિસ્તાર પરથી પોતાનો દાવો છોડ્યો નથી. જ્યારે દેપસાંગ, હોટ સ્પિંગ્સ અને ગોગરા સહિત અન્ય પડતર સમસ્યાઓને બંને દેશના સૈન્ય કમાન્ડરો વચ્ચેની આગામી બેઠકમાં ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે, સરકારે ભારત માતાનો એક ટુકડો ચીનને આપી દીધો છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સરકારે આ જવાબ આપ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈન્યને પાછળ હટાવવાની પ્રક્રિયા અંગે કરવામાં આવેલી સમજૂતી પર સવાલ ઉઠાવ્યા છે. જે બાદમાં ભાજપે રાહુલ ગાંધીના આરોપ પર પલટવાર કર્યો હતો. ભારત-ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ પર પીએમ મોદી પર રાહુલ ગાંધીના પ્રહાર બાદ ભાજપે શુક્રવારે પલટવાર કર્યો હતો. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસ નેતાના આરોપોને ખોટા ગણાવ્યા હતા. સાથે જ સવાલ પૂછ્યો કે શું આ સૈન્યના પીછેહઠની પ્રક્રિયાનુ નેતૃત્વ કરી રહેલા સશસ્ત્ર દળોનું અપમાન નથી?

નડ્ડાએ રાહુલ ગાંધીની એ પત્રકાર પરિષદને સર્કસ કહી હતી જેમાં તેઓએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપા અધ્યક્ષ નડ્ડાએ એક ટ્વીટમાં પછ્યું કે, તેઓ (રાહુલ ગાંધી) ખોટા દાવા શા માટે કરી રહ્યા છે કે સેનાઓને પાછળ હટાવવી ભારત માટે નુકસાન છે? શું તે ‘કૉંગ્રેસ-ચીન એમઓયૂ’નો હિસ્સો છે? રક્ષા મંત્રાલયે પણ પેંગોંગ સો વિસ્તારમાં ‘ફિંગર 4’ સુધી ભારતીય ભૂમિભાગ હોવાની વાતને ખોટી ગણાવી છે.

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ ગુરુવારે રાજ્યસભા (Rajya Sabha)માં ભારત-ચીન વિવાદ (India China Conflict)ને લઈને નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશે.

રક્ષા મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને લાગૂ કરવામાં આવશે. જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે.

(સંકેત)