- ભારતીય રેલવેને નેશનલ રેલ પ્લાનને લઇને આવવાની તૈયારી
- ભારતીય રેલવેની વર્ષ 2024 સુધીમાં વેઇટિંગ લિસ્ટની જોગવાઇની ખતમ કરવાની યોજના
- રેલવેએ વિઝન 2024 હેઠળ વર્ષ 2024 સુધી ફ્રેટ મૂવમેન્ટ 2024 મિલિયન ટન પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું
નવી દિલ્હી: હાલમાં ભારતીય રેલવેમાં મોટા ભાગની ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ હોય છે અને ક્યારેક મુસાફરને જગ્યા ના મળવાથી ટિકિટ રદ કરવાનો વારો આવે છે ત્યારે હવે ભારતીય રેલવે વર્ષ 2024 સુધીમાં વેઇટિંગ લિસ્ટની જોગવાઇની ખતમ કરવાની યોજના ધરાવે છે. તે ઉપરાંત રેલવે ફ્રેટ મૂવમેન્ટમાં પોતાની હિસ્સેદારી હાલ 27 ટકાથી વધારીને વર્ષ 2030 સુધીમાં 45 ટકા સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે. આ તમામ નેશનલ રેલ પ્લાનનો હિસ્સો છે.
તે ઉપરાંત રેલવેએ વિઝન 2024 હેઠળ વર્ષ 2024 સુધી ફ્રેટ મૂવમેન્ટ 2024 મિલિયન ટન પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે જે વર્ષ 2019માં 1210 મિલિયન ટન હતું. ગત વર્ષે ટોટલ નેશનલ ફ્રેટ 4700 મિલિયન ટન હતું જેમાં રેલવેનો હિસ્સો 27 ટકા હતો. ભારતીય રેલવેએ વર્ષ 2026 સુધીમાં નેશનલ ફ્રેટ મૂવમેન્ટને 6400 મિલિયન ટન પહોંચાડવાનું અનુમાન લગાવ્યું છે.
રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે કહ્યું હતું કે આ માટે 2.9 લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ જોઇએ. અમે નેશનલ રેલ પ્લાન વિશે સ્ટેકહોલ્ડરની સલાહ લઇશું અને આશા છે કે એક મહિનામાં તેને અંતિમરૂપ આપવામાં આવશે. તે ઉપરાંત ઓપરેટિંગ કોસ્ટને ઓછી કરવામાં આવશે તેમજ ફ્રેટના ટેરિફને વ્યવહારિક બનાવાશે.
નોંધનીય છે કે, યાદવે કહ્યું કે રેલવેએ તમામ મહત્વની પરિયોજનાઓને વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવા માટેનું ફંડ એકત્રિત કરવાની વ્યવસ્થા કરી છે. કોરોના વાયરસની મહામારીના કારણે ઘણાં મહિનાથી રેલ ટેરિફ બંધ હોવાથી પેસેન્જર ટ્રેન રેવન્યુમાં ભારે નુકસાન થયું છે. આ વર્ષે પેસેન્જર રેવન્યુના 15000 કરોડ રૂપિયા રહે તેવું અનુમાન છે જે ગત વર્ષે 53 હજાર કરોડ રૂપિયા હતી.
(સંકેત)