Site icon Revoi.in

હવે રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા માટે ચાર્જ ચૂકવવો પડશે

Social Share

નવી દિલ્હી: જો તમે પણ રેલવે સ્ટેશન પર વાઇ-ફાઇ સુવિધાનો લાભ ઉઠાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. રેલવે સ્ટેશનો પર હાઇસ્પીડ વાઇ-ફાઇની સુવિધા મેળવવા માટે ખિસ્સુ હળવું કરવું પડશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછો 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. રેલવેએ 4,000 કરતા વધારે સ્ટેશનો માટે વાઇ-ફાઇ પ્લાન લોન્ચ કર્યો છે. જો કે, મુસાફરોને પહેલેથી ચાલતા અડધો કલાક ફ્રી વાઇ-ફાઇ પ્લાનનો લાભ મળતો રહેશે. અડધા કલાક બાદ જો તમે 5 જીબી ડેટાનો ઉપયોગ કરશો તો તે માટે 10 રૂપિયા ચૂકવવા પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેશનો પર અડધા કલાક માટે 1 MBPS સ્પીડ સુધી ફ્રી વાઇ-ફાઇ સુવિધા મળતી રહેશે પરંતુ અડધા કલાક બાદ પણ મુસાફરો ઇન્ટરનેટની સુવિધા વાપરવા માટે ઇચ્છે છે તો તે માટે શુલ્ક ચૂકવવો પડશે. આ માટે ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરતી રેલટેલએ પેઇડ પ્લાન લોન્ચ કર્યો છે.

રેલટેલના સીએમડીના કહેવા પ્રમાણે મુસાફરોને 1 એમબીપીએસ સ્પીડ પર ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવે છે જ્યારે પેઈડ વાઈ-ફાઈની સુવિધા 34 એમબીપીએસ સ્પીડની રહેશે. પોસ્ટ પેઈડ પ્લાન અંતર્ગત 5 જીબી ડેટા પેક માટે 10 રૂપિયા શુલ્ક લેવામાં આવશે અને 10 જીબી ડેટાનો ઉપયોગ કરવા પ્રતિદિન 15 રૂપિયા આપવા પડશે.

આ જ રીતે 10 જીબી ડેટા 5 દિવસમાં વાપરવા 20 રૂપિયા, 20 જીબી ડેટા 5 દિવસમાં વાપરવા 30 રૂપિયા અને 10 દિવસમાં વાપરવા 40 રૂપિયા શુલ્ક આપવો પડશે. પોસ્ટ પેઈડ પ્લાનમાં મુસાફરો એક મહિનાનો પ્લાન પણ લઈ શકશે. આ પ્લાન અંતર્ગત 60 જીબી ડેટા પેક માટે 70 રૂપિયા ચુકવવા પડશે.

અડધો કલાક વાઈ-ફાઈ વાપર્યા બાદ મોબાઈલ પર એક મેસેજ આવશે. બાદમાં ગેટ-વેના માધ્યમથી શુલ્ક ચુકવવાની સુવિધા મળશે.

(સંકેત)