- ભારતની સૈન્ય તાકાત વધશે
- ભારત સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલનું કરશે પરિક્ષણ
- તેના સફળ પરિક્ષણ બાદ તેને સેનામાં સામેલ કરાશે
નવી દિલ્હી: ભારત પોતાની સૈન્યની તાકાતને સતત વધારે મજબૂત બનાવી રહ્યું છે અને સામર્થ્યને વિશ્વને પરચો આપી રહ્યું છે. હવે ભારત પોતાની સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલને 23 સપ્ટેમ્બરના રોજ ટેસ્ટ કરવા જઇ રહ્યું છે. એ પછી આ મિસાઇલને સેનામાં સામેલ કરી દેવામાં આવશે.
એકવાર આ મિસાઇલ સેનામાં સામેલ થશે ત્યારબાદ ભારત પણ એવા દેશોની ક્લબમાં સામેલ થઇ જશે જેની પાસે ન્યુક્લિયર હથિયારોથી સજ્જ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. ભારતના DRDO દ્વારા તેને નિર્મિત કરવામાં આવી છે.
2008માં તેને વિકસિત કરવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. 2012માં તેનો સોલિડ ફ્યુલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ પછી 2013થી લઈને 2018 સુધી તેના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરાયા છે. હવે 23 સપ્ટેમ્બરે ભારત પહેલી વખત તેનો ઓપન ટેસ્ટ કરવા માટે જઈ રહ્યું છે.
અગ્નિ-5ની વિશેષતા એ છે કે તે દોઢ ટન સુધીના ન્યુક્લિયર વેપન્સનું વહન કરી શકે છે. તે અવાજ કરતાં 24 ગણી ઝડપે ઉડનારી મિસાઇલ છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાપૂર્વક ટ્રાન્સપોટ કરી શકાય છે. તેની રેન્જ 5000 કિલોમીટરની છે. તે એક સાથે અનેક હથિયારો લઇ જવા માટે પણ સમર્થ છે.
આ મિસાઇલના સાત ટેસ્ટ પૈકી તમામ સફળ રહ્યા છે. આમ તો અગ્નિ-5ને 2020માં જ ઑપન ટેસ્ટ કર્યા બાદ સેનામાં સામેલ કરવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે પરિક્ષણમાં વિલંબ થયો છે.
નોંધનીય છે કે, આ મિસાઈલના પગલે ચીનના પેટમાં તેલ રેડાયું છે. કારણકે એક વખત અગ્નિ-5 મિસાઈલ સેનામાં સામેલ થશે તે પછી ચીનના મહત્વના શહેરો પણ તેની રેન્જમાં આવી જશે.