Site icon Revoi.in

જૂન-2021થી વાહનચાલકોએ આઇએસઆઇ માર્કવાળું હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે

Social Share

નવી દિલ્હી: જો તમે પણ ટુ-વ્હીલર ચલાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. રાજ્યોમાં ટુ-વ્હીલર ચલાવતા વાહનચાલકોએ જૂન-2021થી સ્ટાન્ડર્ડ આઇએસ માર્કવાળું હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. કેન્દ્ર સરકારે નવેમ્બર મહિનામાં જ આ માટે જાહેરનામું બહાર પાડી દીધું હતું. જેનો ચુસ્તપણે અમલ ગુજરાત રાજ્યમાં જૂન મહિનાથી કરવામાં આવશે. હેલ્મેટ માટે સરકારે કડક કાયદો કર્યો હોવા છતાં મોટા ભાગના ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી ત્યારે આવતા વર્ષે જૂન મહિનાથી આ નિયમનું કડકાઇપૂર્વક અમલ કરાવવામાં આવશે.

વાહનવ્યવહારના કમિશનરે રાજ્ય પોલીસ વડા, મહાનગરોના પોલીસ કમિશનર તેમજ પોલીસ અધિક્ષકોને જણાવ્યું છે કે, ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે વિભાગ દ્વારા 26મી નવેમ્બરે સૂચના બહાર પાડવામાં આવી છે. જે મુજબ ટુ-વ્હીલર ચાલકો માટે સ્ટાન્ડર્ડ માર્ક ધરાવતા હેલ્મેટની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ હુકમનો અમલ રાજ્યમાં 1 જૂન, 2021થી કરવામાં આવશે. વાહન ચાલકો જે હેલ્મેટ પહેરે તેમાં બ્યૂરો ઓફ ઈન્ડિયન દ્વારા આપવામાં આવેલો આઈએસ માર્ક હોવો જરૂરી છે. આ સિવાય, ઈન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે સારી ગુણવત્તાને લગતા હેલ્મેટ માટે જે સુધારા નક્કી કરવામાં આવ્યા હોય તે પણ લાગુ કરવાના રહેશે.

કેટલાક કિસ્સામાં ટુ-વ્હીલરનો અકસ્માત થાય ત્યારે જો વાહનચાલકે સારી ગુણવત્તાનું હેલ્મેટ પહેર્યું હોય તો તેનો જીવ બચી જતો હોય છે, બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને જાહેર હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

એક અભ્યાસ પ્રમાણે, 2016થી 2019ના સમયગાળા દરમિયાન ટુ-વ્હીલર ચલાવતા ચાલકોના અકસ્માતના કિસ્સામાં કુલ 2755 લોકોના મોત થયા હતા. જેમાંથી મોટાભાગના વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું નહોતું. આ સમયગાળા દરમિયાન જ જોખમી અકસ્માતના પ્રમાણમાં પણ 6 ટકા જેટલો વધારો થયો હતો.

(સંકેત)