- ભારતના અવકાશને લગતા પ્રોગ્રામમાં બાળકોનું પણ યોગદાન
- ઇસરો બાળકોએ બનાવેલા 18 નેનો સેટેલાઇટને લોન્ચ કરશે
- બે વર્ષમાં બાળકો દ્વારા 18 નેનો સેટેલાઇટ તૈયાર કરવામાં આવશે
નવી દિલ્હી: ભારતના અવકાશને લગતા પ્રોગ્રામમાં હવે બાળકો પણ યોગદાન આપી રહ્યા છે અને બાળકોના આ અનન્ય યોગદાનની નોંધ લેવી પડે તેવા સંજોગોનું નિર્માણ થયું છે.
હકીકતમાં, ચેન્નાઇના 18 બાળકો હાલમાં નેનો કોમ્યુનિકેશન સેટેલાઇટ બનાવી રહ્યા છે અને આ તમામ સેટેલાઇટને ઇસરો દ્વારા અવકાશમાં લોન્ચ કરવામાં આવશે.
ચેન્નાઇની એક સંસ્થા બાળકોને અવકાશ વિજ્ઞાન માટે તૈયાર કરે છે અને તેના પ્રયાસોના કારણે બાળકો વિજ્ઞાન વિષયમાં રસ લઇને આગળ આવી રહ્યા છે. આ સંસ્થાના કહેવા અનુસાર બે વર્ષમાં બાળકો દ્વારા 18 નેનો સેટેલાઇટ તૈયાર કરવામાં આવશે.
આ દરમિયાન ઇસરોના સીઇઓ કે સિવને કહ્યું હતું કે વર્ષ 2021માં ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં બાળકો દ્વારા બનાવાયેલા એક સેટેલાઇટને ઇસરોના સેટેલાઇટ લોન્ચ વ્હિકલ થકી લોન્ચ કરવામાં આવશે. ભારતીય રોકેટ વૈજ્ઞાનિકની 100મી જન્મ જયંતિ નિમિત્તે સેટેલાઇટને સતિષ ધવન નામ આપવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ 2021માં બાળકો દ્વારા બનાવાયેલા બીજા બે કોમ્યુનિકેશન સેટેલાઇટને પણ લોન્ચ કરવાની યોજના છે. આ પહેલા ઇસરો બાળકોએ બનાવેલા દુનિયાના સૌથી નાના ઉપગ્રહ ક્લાસમેન્ટને લોન્ચ કરી ચૂક્યું છે.
(સંકેત)