- જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા
- જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર ઠાર
- સેનાએ આ ઓપરેશન માટે સ્પેશિયલ ગ્રુપ બનાવ્યું હતું
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. તેમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સેનાએ જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડરને ફૂંકી માર્યો છે.
અગાઉ અથડામણ દરમિયાન સેનાના 5 જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. સેના દ્વારા અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર શામ સોફીને ઠાર કરાયો છે.
સુરક્ષાદળોએ ગઇકાલે પણ 6 આતંકીઓના ઢીમ ઢાળી દીધા હતા. સેનાના 5 જવાનો શહીદ થયાને 24 કલાકમાં જ સેનાએ આકરી કાર્યવાહી કરતા 6 આતંકીઓને ફૂંકી માર્યા હતા.
પોલીસ અને સેનાને બાતમી મળી હતી કે કેટલીક જગ્યાએ આતંકીઓ છૂપાયેલા છે. ત્યારબાદ સુરક્ષદળોએ બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું.
સેના દ્વારા યોજના અનુસાર એક સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું હતું. બાદમાં આતંકીઓ સાથે તેમની અથડામણ થઇ હતી. જે અથડામણમાં સેના દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. સેના દ્વારા જ્યારે તેની ઓળખ કરાઇ ત્યારે ખબર પડી કે તે જૈશનો ટોપ કમાન્ડર હતો.